Loading Please Wait !!!
"ગુજરાતમાં 25% મહિલાઓ શાળાએ નથી ગઈ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં પોલ ખૂલી કોંગ્રેસનો દાવો

  • ‘બેટી પઢાવો’ના નારા ખોખલા?
  • ■ મહિલા સશક્તિકરણના દાવા ફેલ ? આંકડાઓએ બતાવી સરકારની હકીકત
  • ■ શહેરી વિસ્તારોમાં 51% મહિલાઓ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે

38% મહિલા અભ્યાસ પૂર્ણ કરી શકી નથી

સીટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં મહિલા શિક્ષણ-સશક્તિકરણ, આર્થિક સ્વતંત્રતા અને ડિજિટલ સશક્તિકરણની સાથોસાથ બેટી બચાવો-બેટી પઢાવોના ભાજપ સરકારના દાવાની પોલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં ખૂલી ગઈ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. સર્વેમાં થયેલા ખુલાસા મુજબ, રાજ્યમાં દર ચારમાંથી એક મહિલા ક્યારેય શાળાનું પગથિયું ચડી નથી. ગુજરાતમાં 6 વર્ષ કે તેથી વધુ વયની માત્ર 75.3 ટકા મહિલા જ ક્યારેય શાળાએ ગઈ છે.

એટલે કે, રાજ્યની લગભગ 25 ટકા મહિલા ક્યારેય શાળાએ ગઈ જ નથી. માત્ર 38.9 ટકા મહિલા જ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ પૂર્ણ કરી શકી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામીણ શિક્ષણમાં પણ ભારે અસમાનતા જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં 51.9 ટકા મહિલાઓ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ઘટીને માત્ર 28.8 ટકા છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો. હિરેન બેંકરે સર્વેના આંકડા ટાંકતા જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકાથી ‘ગુજરાત મોડેલ’ની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારના ‘મહિલા સશક્તિકરણ’ના દાવા માત્ર કાગળ પર જ રહ્યા છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસની વાતો વચ્ચે સામાજિક સૂચકાંકોમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. નેશનલ સર્વેમાં ઉજાગર થયેલી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે, શિક્ષણના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પરિણામ મીંડું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આર્થિક સશક્તિકરણની સાચી ઓળખ સંપત્તિની માલિકી છે. ગુજરાતમાં માત્ર 17 ટકા મહિલા જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે.

આ આંકડો સાબિત કરે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓને હજુ પણ સમાન અધિકાર મળ્યો નથી. ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ આજે પણ ટેકનોલોજીથી વંચિત છે. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 49.2 ટકા મહિલાઓ પાસે મોબાઈલ છે. ગુજરાતમાં માત્ર 65.7 ટકા મહિલાઓ જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રામીણ મહિલાઓની સંખ્યા માત્ર 54.3 ટકા જ છે. સરકાર માત્ર મોટી જાહેરાતો અને ઉત્સવો કરવાને બદલે, પાયાના સ્તરે મહિલા શિક્ષણ, આર્થિક માલિકી અને ડિજિટલ સમાનતા દ્રઢ વાસ્તવમાં મહિલાઓના સશક્તિકરણ માટે નક્કર પગલાં ભરે તેવી કોંગ્રેસે માંગ કરી છે.