સ્કૂલોમાં શનિવાર બેગલેસ-ડે, રાજકોટમાં નિયમો તૂટ્યા ધારાસભ્યો ચૂપ કેમ ?
ગુજરાત સરકારના મહત્વના નિર્ણયનો ધારાસભ્ય અમલ કરાવી શકતા નથી
-
■ શિક્ષણની ગંભીર સમસ્યાઓ પણ રાજકોટના ચારેય ધારાસભ્યોને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા જ નથી
-
■ સરકારના નિયમો છે ત્યારે ધારાસભ્ય પોતાની સરકારના નિયમનું પાલન કેમ નથી કરાવી શકતા
સીટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય હેઠળ ધોરણ 1થી ૮ના વિદ્યાર્થીઓને શનિવારે બેગ વગર શાળામાં આવી વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાવાનું સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ શહેરમાં આ નિયમનો યોગ્ય અમલ થતો નથી તેવી ગંભીર ચર્ચાઓ સામે આવી રહી છે. શહેરની ઘણી શાળાઓમાં હજુ પણ વિદ્યાર્થીઓને શનિવારે બેગ સાથે જ આવવાનું કહેવામાં આવે છે. Activity-based learning અથવા ઈતર પ્રવૃત્તિઓનો અભાવ જોવા મળે છે. આથી સરકારની આ યોજના કાગળ પર જ સીમિત રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિને લઈ હવે અનેક સવાલો ઉભા થયા છે. રાજકોટના ધારાસભ્યો કેમ ચૂપ છે ? શિક્ષણ વિભાગ દ્વારા દેખરેખ કેમ નથી ? સ્કૂલ સંચાલકો સરકારના આદેશનું પાલન કેમ નથી કરતા? શહેરમાં ચર્ચા છે કે નિયમો જાહેર તો થાય છે, પરંતુ તેના અમલ માટે પૂરતી કડકાઈ દાખવવામાં આવતી નથી. ‘બેગલેસ ડે’નો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવી, પુસ્તકના ભારમાંથી રાહત આપવી, રમતા-રમતા શીખવાની પ્રણાલી વિકસાવવી છે. આ અભિગમ નવી શિક્ષણ નીતિ સાથે સંકળાયેલો છે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે “જો આવા નિયમોનો અમલ જ નહીં થાય તો વિદ્યાર્થીઓ સુધી તેનો ફાયદો પહોંચતો નથી.” રાજ્ય સરકારે બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, પરંતુ રાજકોટમાં તેના અમલને લઈને ઉદાસીનતા ચિંતાજનક છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ મુદ્દે કેટલું ગંભીરતાથી પગલાં લે છે.