Loading Please Wait !!!
સિંગાપોર ટિકિટ-વિઝાના બહાને રૂપિયા 7.59 લાખની છેતરપિંડી

  • પ્રવાસના આગલા દિવસે 'વિઝા રિજેક્ટ' કહી ફોન બંધ કરી દીધા
  • રાજકોટની યુવતીની ફરિયાદ બાદ સુત્રાપાડા અને અમદાવાદના બે શખ્સ સામે ગુનો

 

  • સીટી ન્યૂઝ@રાજકોટ

સિંગાપોર પ્રવાસ માટે ઓછી કિંમતમાં એર ટિકિટ અને વિઝા અપાવવાની લાલચ આપી ૪૦ લોકો પાસેથી કુલ રૂ. ૭.૫૯ લાખ પડાવી છેતરપિંડી આચરવાના મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં સુત્રાપાડાના અજય દેવળીયા, અમદાવાદના દીપ માલવીયા તથા તપાસમાં ખુલનારા અન્ય શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ફરિયાદી ક્રિષ્નાબેન ભીમશીભાઈ રાવલીયાના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન ઈન્સ્ટાગ્રામ મારફતે અજય દેવળીયા સાથે સંપર્ક થયો હતો. તેણે પોતાની 'સ્લેડીંગ હોલીડે પ્રાઈવેટ લિમિટેડ' કંપનીમાં વર્ક ફ્રોમ હોમની નોકરી આપવા બાદ વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં ફરિયાદીના માતા ટબુબેન રાવલીયા જોડાયેલી 'ડાયા પલાટ' કંપની દ્વારા સિંગાપોર પ્રવાસનું આયોજન થતાં અજય દેવળીયાએ અન્ય એજન્ટ કરતા સસ્તા દરે ટિકિટ અને વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી.

આ ઓફર બાદ કંપનીના કુલ ૪૦ સભ્યોએ પોતાના પાસપોર્ટ અજય દેવળીયાને મોકલ્યા હતા. આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતામાં રકમ જમા કરાવવા કહી કુલ રૂ. ૭,૫૯,૩૫૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં અમદાવાદના દીપ માલવીયાના ફેડરલ બેંક ખાતામાં પણ મોટી રકમ જમા કરાવવામાં આવી હતી.

પ્રવાસ માટે ૨૮ માર્ચ, ૨૦૨૭ની તારીખ નક્કી હતી. જોકે પ્રવાસના એક દિવસ અગાઉ અજય દેવળીયાએ ફોન કરી તમામના વિઝા રિજેક્ટ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ભોગ બનનારાઓએ એજન્સીનો અધિકૃત પુરાવો માંગતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. બાદમાં ટૂંક સમયમાં રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ તો ટિકિટ-વિઝા આપ્યા અને ન તો રૂપિયા પરત કર્યા. ત્યારબાદ તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા.

આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા એસઆઈ એચ.જે. જોગાડાએ અજય દેવળીયા, દીપ માલવીયા તથા તપાસમાં ખુલનારા અન્ય આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.