Loading Please Wait !!!
આત્મનિર્ભર ફાઉન્ડેશન-સ્ટર્લિંગ હોસ્પિટલની યોગ દિવસ ઉજવણી

 

 

  • >> 200થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

  • >> ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી રહ્યા ઉપસ્થિત

  • >> આગેવાનોનું સન્માન અને એવોર્ડ વિતરણ યોજાયું

સીટી ન્યૂઝ@રાજકોટ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ આત્મનિર્ભર ફાઉન્ડેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય જાગૃતિ અને યોગના મહત્વને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલના ચેરમેન, ડિરેક્ટર તેમજ હોસ્પિટલના અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણી દરમિયાન મહિલાઓને યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો અને પ્રાણાયામના પ્રદર્શન આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આયોજિત વિશેષ સમારોહમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી લેહરે પણ સ્ટર્લિંગ હોસ્પિટલના ચેરમેન, ડિરેક્ટર અને સમગ્ર ટીમ દ્વારા વિશેષ સન્માન અને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તન્વી લેહરે સ્ટર્લિંગ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યોગ દિવસની આ સુંદર ઉજવણી દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ સુધી આરોગ્ય અને યોગનો સંદેશ પહોંચાડવામાં સફળતા મળી છે. તેમણે હોસ્પિટલની સમગ્ર ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને મહિલાઓએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમો સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને મહિલાઓને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.