Loading Please Wait !!!
સુરતમાં બનશે ખોડલધામ

  • ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત

સિટી ન્યૂઝ@સુરત : દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે ખોડલધામ મંદિર સંકુલ બનશે જેનું નવરાત્રિમાં ભૂમિપૂજન થશે. અંત્રોલી ખાતે અંદાજે ૪૨ વીઘા જમીન પર ખોડલધામ સંકુલ બનશે. ખોડલધામ ટ્રસ્ટના આગેવાનોએ મંગળવારે અંત્રોલી ગામે મુલાકાત કરીને ખોડલધામ સંકુલ માટે જમીન ફાઇનલ કરી હતી.ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચૅરમૅન નરેશ પટેલે આ જાહેરાત કરીને કહ્યું હતું કે 'અંત્રોલી ગામે ખોડલધામ માટે ટ્રસ્ટ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જમીન ખરીદવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ બનશે.

દક્ષિણ ઝોનના ખોડલધામ મંદિર સંકુલમાં ખોડલ માતાજીના ભવ્ય મંદિરની સાથે સમાજ-ઉપયોગી અન્ય વિવિધ પ્રકલ્પો પણ સાકાર થશે. આ નવા સંકુલના નિર્માણથી દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા, સંગઠન અને સમાજ-ઉત્કર્ષનું એક નવું કેન્દ્ર ઊભું થશે. સંકુલમાં આવનારા સમયમાં મંદિર બનશે. આ ઉપરાંત આ સંકુલમાં શિક્ષણ અને આરોગ્ય જેવાં કાર્યો પણ થશે.

દરેક સમાજના લોકોને અહીં આરોગ્ય અને શિક્ષણસેવાનો લાભ મળશે.'પત્રકારોને સંબોધતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે ગહન વિચાર-વિમર્શ અને ચર્ચા કર્યા બાદ જમીન ખરીદીની આ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ- દક્ષિણ ઝોનનું ભૂમિપૂજન કરવામાં આવશે અને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. અંત્રોલી ગામે સંપાદિત કરાયેલી વિશાળ જમીન પર ખોડલધામ મંદિર સંકુલ- દક્ષિણ ઝોનનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે.