Loading Please Wait !!!
સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લના સ્મરણાર્થે ફ્રી દંતયજ્ઞ કેમ્પ યોજાશે


» અરવિંદ મણિયાર ટ્રસ્ટ અને નિધિ સ્કૂલ દ્વારા 31 મે ના રોજ આયોજન

» જાલંધર બંધ પ્રયોગથી ઈન્જેક્શન વિના સડેલા દાંત કાઢી અપાશે

» મેયર અને ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે સારવાર અપાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં વસતા જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય સુખાકારીના હેતુથી એક પ્રશંસનીય અને અનોખા માનવસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. મધુબેન ચીમનભાઈ શુક્લના સ્મરણાર્થે શ્રી અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૧ મે ૨૦૨૬, રવિવારના રોજ એક ભવ્ય અને નિશુલ્ક દંત યજ્ઞ સેવા કેમ્પ યોજાશે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ ખાતે આ કેમ્પ સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે.

આ દંત ચિકિત્સા કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જાણીતા દંતશાસ્ત્રી ભરત વ્યાસ દ્વારા પ્રાચીન અને અસરકારક ‘જાલંધર બંધ પ્રયોગ’ નો ઉપયોગ કરવામાં આવશે. આ પદ્ધતિ દ્વારા દર્દીઓના દૂખતા, સડેલા કે હલતા દાંતને કોઈપણ પ્રકારના ઈન્જેક્શન કે એલોપેથિક દવા આપ્યા વિના ખૂબ જ સરળતાથી કાઢી આપવામાં આવશે. આ અનોપી પદ્ધતિથી દર્દીઓને દુખાવામાંથી તાત્કાલિક અને પીડામુક્ત રાહત મળશે. દાંત કાઢી નાખેલ દર્દીને આયોજકો તરફથી પૌષ્ટિક આહાર પણ આપવામાં આવશે.

કેમ્પ દરમિયાન પ્રતિષ્ઠિત ડેન્ટિસ્ટ ડૉ. રુચિતા માલી (BDS) દ્વારા હાજર રહેલા તમામ દર્દીઓના દાંતની ઝીણવટભરી વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવશે. તેઓ દર્દીઓને દાંતની યોગ્ય સારવાર તેમજ જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત, કેમ્પમાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.

આ કેમ્પમાં કૌશિક શુક્લ, કશ્યપ શુક્લ, મેયર ડૉ. નેહલ શુક્લ, કાશ્મીરા નથવાણી પરિવાર, કલ્પક મણિયાર, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ અને ડેપ્યુટી મેયર દર્શા વસાણી સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ દંત યજ્ઞ સેવા કેમ્પનો લાભ લેવા માટે રવિવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન નિધિ સ્કૂલ (ભારતીય નગર શેરી નંબર ૨, રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ) ખાતે રૂબરૂ સ્થળ પર જ નામ નોંધણી કરાવવાની રહેશે. આયોજકો દ્વારા વોર્ડ નંબર ૧ અને ગાંધીગ્રામ વિસ્તારના તમામ રહીશોને આ નિશુલ્ક દંત યજ્ઞ સેવાનો મહત્તમ લાભ લેવા શ્રી અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.