Loading Please Wait !!!
સ્વ.વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિએ ભાજપ અગ્રણીઓએ અર્પી શ્રદ્ધાંજલિ

» કાર્યકર્તાઓના હૃદયમાં વિજયભાઈ રૂપાણી કાયમી રહેશે : ડો. જૈમનભાઈ ઉપાધ્યાય » સ્વ.વિજયભાઈ રૂપાણી રાજપુરુષ ની સાથોસાથ રાજકોટના વિકાસમાં મહાપુરુષ સાબિત થયા છે : હરેશ જોષી » સ્વ.વિજયભાઈ રૂપાણી છેવાડાના માનવી માટે ખરા અર્થમાં કોમનમેન સાબિત થયા હતા : તેજસ ત્રિવેદી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાજપ સંગઠનના અગ્રણીઓમાં સ્થાન ધરાવતા સ્વ. વિજયભાઈ રૂપાણીના સ્વધામગમનને એક વર્ષ પૂર્ણ થતાં તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભાજપના અગ્રણીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શહેરના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ભાજપ અગ્રણી હરેશ જોષી અને તેજસ ત્રિવેદીએ તેમના રાજકીય, સામાજિક અને સંગઠનાત્મક યોગદાનને યાદ કર્યું હતું.

ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણી માત્ર એક રાજકારણી નહીં પરંતુ કાર્યકર્તાઓના સાચા માર્ગદર્શક હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને છેવાડાના કાર્યકર્તા સુધી પહોંચાડવા જીવન સમર્પિત કર્યું હતું. પક્ષ અને રાષ્ટ્ર હંમેશા વ્યક્તિથી મોટા છે તેવો સંદેશ તેઓ સતત આપતા રહ્યા હતા. તેમના વ્યક્તિત્વ અને કાર્યશૈલીને કારણે તેઓ કાર્યકર્તાઓના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

ભાજપ અગ્રણી હરેશ જોષીએ જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણી રાજપુરુષની સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસપુરુષ તરીકે પણ યાદ રહેશે. રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ દરમિયાન તેમણે રાજકોટને અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યોની ભેટ આપી હતી. રાજકોટમાં એઇમ્સ, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસ પોર્ટ, અટલ સરોવર સહિતના અનેક પ્રોજેક્ટ્સને સાકાર કરવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.

તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં કોમનમેન હતા. તેમણે છેવાડાના માણસ સુધી સરકારની યોજનાઓ પહોંચે અને ગરીબ-વંચિત વર્ગને જીવનમાં આગળ વધવાની તક મળે તે માટે સતત પ્રયાસો કર્યા હતા. પૂજિત રૂપાણી ટ્રસ્ટ મારફતે કચરો વીણતા બાળકો સહિત ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ અને વિકાસ માટે પણ તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું હતું.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સ્વ. રૂપાણીએ ભાજપ સંગઠનમાં કાર્યકર્તા ઘડતરને વિશેષ મહત્વ આપ્યું હતું. પક્ષની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદ અને રાષ્ટ્રવાદના મૂલ્યોને પ્રબળ બનાવવા તેમણે અનેક અભ્યાસવર્ગો અને પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરાવ્યું હતું. નાના કાર્યકર્તામાં રહેલી ક્ષમતાને ઓળખી તેને મોટી જવાબદારી આપવાની તેમની આગવી શૈલી હતી.

મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં તેમણે સંવેદનશીલ અને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. પારદર્શક, પ્રગતિશીલ અને જનકેન્દ્રિત શાસનના ચાર સ્તંભો પર તેમણે સરકાર ચલાવી હતી.

અંતમાં ડો. જૈમન ઉપાધ્યાય, હરેશ જોષી અને તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાનથી રાજકોટ અને સૌરાષ્ટ્ર એક લડાયક, નીડર, સંવેદનશીલ અને અહંકારમુક્ત લોકનેતા ગુમાવ્યો છે. તેમનું વ્યક્તિત્વ, કાર્યશૈલી અને વિકાસદ્રષ્ટિ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.