ગીરને ગળી ગયા ગેરકાયદે રિસોર્ટ અને ફાર્મહાઉસ, તંત્ર અંધ-બહેરું !
કાયદાનો ભંગ; 501માંથી 387 પ્રોજેક્ટ્સ ગેરકાયદેસર
ઈકોઝોનમાં બેફામ બાંધકામ; હાઈકોર્ટમાં ખુલાસો, 113 જ કાયદેસર બાકીના નિયમ વિના ધમધમે છે
સિટી ન્યૂઝ રાજકોટ
ગીર અભયારણ્ય નજીક ગેરકાયદેસર હોટેલ-રિસોટૅ મામલે હાઈકોર્ટમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી કલેક્ટરના સોગંદનામાથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કુલ 501 પ્રવાસન એકમોની તપાસમાં ૩૮૭ એકમો ગેરકાયદેસર જણાયા. મોટાભાગના રિસોટૅ ભાજપ નેતાઓની ભાગીદારીમાં ધમધમતા હોવાનું ખૂલ્યું. રેવન્યુ વિભાગની બેદરકારીને કારણે સિંહોના કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૩૦૮ હોસ્પિટાલિટી એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર ૮૭ એકમો કાયદેસર માલૂમ પડ્યા છે, જ્યારે ૨૨૧ એકમો વન વિભાગ અને વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર ચાલી રહ્યા છે. કલેક્ટરના રિપોર્ટ મુજબ, આમાંથી ૧૬૩ એકમોમાં નાની અને બાકીનામાં મોટી ખામીઓ છે. નિયમોના ભંગ બદલ ૧૬૧ એકમોને નોટિસ અપાઈ છે અને ૨૯ એકમો સામે પગલાં ભરીને માત્ર ૧૦ એકમો સીલ કરાયા છે. ૧૨૭ રહેણાંક મકાનોમાં લોજિંગ-બુકિંગની વ્યવસાયિક પ્રવૃત્તિ થતી હોવાનું પણ ખૂલ્યું છે. અમરેલી જિલ્લામાં કુલ ૨૯ એકમોની તપાસ કરાતા માત્ર ૩ એકમો જ કાયદેસર મળ્યા છે, જ્યારે ૧ એકમ બંધ હતો. બાકીના ૨૫ એકમો નિયમોના લીધેલિયા ઉડાડીને ગેરકાયદેસર ચાલતા ઝડપાયા છે. જેમાં ૧૫માં નાની અને ૧૦માં ગંભીર પ્રકારની મોટી ખામીઓ છે. જુનાગઢ જિલ્લાની હદમાં કુલ ૧૬૪
એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર ૨૩ એકમો જ કાયદેસર અને નિયમોનું પાલન કરતા મળ્યા છે. બાકીના ૧૪૧ એકમો ગેરકાયદેસર છે, જેમાં ૪૩ એકમોમાં નાની અને ૯૯ એકમોમાં ભારે મોટી ખામીઓ જેવી કે ગેરકાયદેસર બાંધકામ અને જમીનનો દુરુપયોગ) સામે આવી છે. ગીર અભયારણ્ય અને તેની આસપાસના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદેસર હોટેલ, રિસોટૅ અને ફાર્મહાઉસના અહેડધ બાંધકામો મુદ્દે હાઈકોર્ટમાં ચાલતી જાહેર હિતની અરજીમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે ગીરની બોર્ડર પર ચાલતી ગંભીર બેદરકારીની પોલ ખોલે છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે આ પૈકીના મોટાભાગના ફાર્મહાઉસ રિસોટૅ ભાજપના નેતાઓની ભાગીદારીમાં ધમધમતા હોય છે. એક તરફ સરકાર સિંહોને નવું જંગલ તો આપી શકે તેમ નથી પરંતુ જંગલની બોર્ડર પર બેરોકટોક સિંહની અવરજવર માટેના કોરિડોરમાં ગેરકાયદેસર હોટેલ, રિસોટૅ, ફાર્મ હાઉસનો રાફડો ફાટી નીકળ્યો હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં પાસ સરકારનો રેવન્યુ વિભાગ નિષ્ફળ ગયો છે. સિંહોને જંગલ ટૂંકું પડતું હોવાથી તે માનવ વસહત તરફ વળ્યા છે અને સતત માનવ સંપર્કમાં આવી ઘર્ષણ કરતા થઈ ગયા છે.સામાન્ય રીતે વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દોષી દેખાય છે.
ભાજપ નેતાઓનીભાગીદારીથી ધમધમે છે રિસોર્ટ
સરકાર સિંહોને નવું જંગલ તો આપી શકે નહીં પરંતુ જંગલની બહારના વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામો રોકવામાં રેવન્યુ વિભાગ વામણો : મોટાભાગના ફાર્મહાઉસ અને રિસોર્ટ ભાજપના જ નેતાઓની ભાગીદારીમાં ધમધમે છે.
રેવન્યુ વિભાગની આંખોપર પાટા: સૌથી વધુ દોષી
રેવન્યુ વિભાગના આંખે પાટા બંધાઈ ગયા હોય તેમ ઈકો ઝોનમાં - કઈ ગેરકાયદેસર દેખાતું જ નથી. હાઈકોર્ટ રિપોર્ટ માગતા ચોંકાવનારી વિગતો સામે આવી છે છતાં હજુ પણ માત્ર નોટિસની જ કાર્યવાહી શરૂ થઈ છે. સમગ્ર તપાસ દરમિયાન ગીરના ત્રણેય જિલ્લામાં થઈને કુલ ૫૦૧ પ્રવાસન એકમોની ભૌતિક તપાસ કરવામાં આવી હતી, જેમાં માત્ર ૧૧૩ એકમો જ નિયમબદ્ધ કાયદેસર માલૂમ પડ્યા છે. જ્યારે અંદાજે ૩૮૭ એકમો વન વિભાગ કે વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દોષી દેખાય છે,
પરંતુ ખેતીની જમીનને બિન-ખેતી કરવાની મંજૂરી આપવી, ગેરકાયદે બાંધકામો અટકાવવા અને જમીનોનો વ્યવસાયિક દુરુપયોગ રોકવાની પ્રાથમિક અને સીધી જવાબદારી રેવન્યુ વિભાગની છે. આક્ષેપ થઈરહ્યો છે કે, સિંહોની કુદરતી અવરજવર માટેના મુખ્ય કોરિડોર બંધ કરી દેનારા અને ગીરની ગરિમાને નુકસાન પહોંચાડનારા મોટા માથાઓ તેમજ હોટેલ માફિયાઓને રેવન્યુ વિભાગનો છૂપો પણ મોટો સપોર્ટ છે.