ઉગતાપોરના મેલડી માં ધામે વ્યસનમુક્તિ સંકલ્પ સાથે ભવ્ય રામામંડળનું આયોજન
12 જુલાઈએ રાજકોટમાં રામદેવપીર મહારાજના જીવનચરિત્રનું નિરૂપણ; યુવાનોમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાનો સંકલ્પ
સીટી ન્યૂઝ@રાજકોટ
અષાઢી બીજના પાવન અવસરે રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી ઉગતાપોરના મેલડી માં ધામે આગામી તા. ૧૨ જુલાઈ (રવિવાર)ના રોજ વ્યસનમુક્તિનો સંદેશ આપતા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય અગ્રણી કિશોરસિંહ જાડેજાના આયોજન હેઠળ યોજનારા આ કાર્યક્રમમાં શ્રી રામદેવપીર મહારાજના જીવનચરિત્રનું રજૂ કરતું 'રામામંડળ' મુખ્ય આકર્ષણ રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની પ્રેરણા અને શુભેચ્છા સાથે યોજાઈ રહ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહી સ્વસ્થ, સંસ્કારી અને સકારાત્મક જીવન તરફ પ્રેરિત કરવાનો છે. સાથે સાથે સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં ગેલમોગલ શક્તિપીઠ આશ્રમ (ગારીડા)ના મહંત વિજયબાપુ, જય શ્રી ગોપાલ ટ્રસ્ટના રાજુભાઈ પ્રજાપતિ, સત્ય સનાતન ગ્રુપના અંકિતભાઈ અજાણી, ભાવેશભાઈ લીંબાસીયા, વિજલભાઈ લીંબાસીયા, પ્રકાશભાઈ, લોકસાહિત્યકાર કૌશિકભાઈ મહેતા (ભૂદેવ), મેલડી માંના ઉપાસક રાજુભાઈ (કંટાણા મેલડી), કૌશિકભાઈ પૂજારી તથા ભાવિનભાઈ ખખ્ખર (બજરંગ) સહિતના આગેવાનો સહયોગ આપી રહ્યા છે. આ તમામ આગેવાનોના સહકારથી કાર્યક્રમને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન જય શ્રી ખોડીયાર રામામંડળ દ્વારા ભગવાન શ્રી રામદેવપીર મહારાજના જીવનપ્રસંગોનું જીવંત નિરૂપણ કરવામાં આવશે, જે ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ નિરૂપણ દ્વારા ધાર્મિક ભાવના સાથે સંસ્કાર અને સંદેશનો પણ પ્રસાર થશે.
આ પ્રસંગે રાજકોટના મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શહેર પોલીસના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજસેવકો પણ ઉપસ્થિત રહી શકે છે. કાર્યક્રમ તા. ૧૨ જુલાઈ, રવિવારે સાંજે ૪:૦૦ કલાકે, શીતલ પાર્ક સ્થિત શ્રી ઉગતાપોરના મેલડી માં ધામ ખાતે યોજાશે. આયોજક કિશોરસિંહ જાડેજાએ સર્વે ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી વ્યસનમુક્તિના આ લોકજાગૃતિ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે તેમજ વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા વિનંતી કરી છે.