Loading Please Wait !!!
વરસાદમાં રેલનગર અંડરબ્રિજમાં 100% પાણી ભરાશે; સમસ્યા યથાવત

દર વર્ષે સમસ્યા થાય છે છતાં કાયમી ઉકેલ કેમ નથી !

 

અધિકારીઓ અંડરબ્રિજમાં કોઈ પ્લાનિંગ નહીં કરતા પાણી ભરાશે જ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રેલનગર અંડરબ્રિજ વિસ્તારમાં વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા વર્ષોથી યથાવત રહી છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્ર અને जनप्रतिनिધિઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજીદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અનેક વખત રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.

વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ, વોર્ડના કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ, ધારાસભ્ય, પૂર્વ મેયરને અનેક વખત આ સમસ્યા અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમ છતાં જમીન સ્તરે કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બને છે, ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે, જાનહાનિનો ખતરો પણ ઉભો થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા ફક્ત ચોમાસા દરમિયાન જ નહીં, પરંતુ પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, જે ક્યારેક દેવ દિવાળી સુધી યથાવત રહે છે.

સ્થાનિકોએ અગાઉ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન અંડરબ્રિજની બંને બાજુ ગટર (ડ્રેનેજ) બનાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ બાદમાં થયેલા રિનોવેશન દરમિયાન સમસ્યા ફરી ઉભી થઈ હોવાનું જણાય છે. રહેવાસીઓએ તંત્રને સ્પષ્ટ સૂચન આપ્યું છે કે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવે, એવો પ્લાન અમલમાં મૂકાય કે ભારે વરસાદ પછી પણ ૧-૨ કલાકમાં પાણી નીકળી જાય. રોડ પર પાણી ભરાવું અટકે અને વાહન સ્લીપની સમસ્યા દૂર થાય છે. રેલનગર અંડરબ્રિજની સમસ્યા માત્ર તાત્કાલિક નહીં, પરંતુ વર્ષોથી ચાલતી ગંભીર સમસ્યા બની ગઈ છે, સ્થાનિક લોકો હવે તંત્ર પાસેથી કાયમી અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે.