શિક્ષણ: ઉપલેટામાં રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત સામૂહિક વાંચન કાર્યક્રમ યોજાયો
સીટી ન્યૂઝ@ઉપલેટા
રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિત્તે ઉપલેટા ખાતે સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા શેઠ ટી.જે. કન્યા વિદ્યાલયમાં પ્રથમ વખત સામૂહિક વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવા અને વાંચન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
સિદ્ધનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા જિલ્લા ભાજપના આગેવાન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ૧૯ જૂનનો દિવસ કેરળના મહાન ચિંતક પી.એન. પાનીકરની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૭થી તેની ઉજવણી કરી રહી છે.
તેમણે જણાવ્યું કે ડિજિટલ યુગમાં યુવાનોનો મોટો સમય ઓનલાઈન પસાર થતો હોવાથી વાંચન પ્રત્યે રસ ઘટતો જાય છે. જ્યારે વાંચન વ્યક્તિત્વને જીવનને નવી દિશા આપે છે, વિચારશક્તિ વિકસાવે છે અને મુશ્કેલ સમયમાં પણ માર્ગદર્શન પૂરું પાડે છે. વાંચન એ જીવનને સમૃદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
કાર્યક્રમ દરમિયાન વાંચનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રચનાત્મક વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય તથા વિવેકનો વિકાસ થાય છે અને જીવનમાં ઊંડો અર્થ સમજવામાં મદદ મળે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કારાવડિયા, પત્રકાર નીલામબેન રાઠોડ, કીર્તિભાઈ ટીલાવત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.