Loading Please Wait !!!
રાજકોટના કોઠારિયા રોડ ઉપર હૂડકો ચોકડી પાસે ઉત્તમ સોફાના કારખાનામાં આગ : એકનું મોત

 

  • ફાયર બ્રિગેડ સ્ટાફે યુવકનું રેસ્ક્યુ કર્યું પણ જીવ ન બચ્યો : શોર્ટ સર્કિટની શંકા

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી હૂડકો ચોકડી પાસે 'ઉત્તમ સોફા' નામના કારખાનામાં સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગ દરમિયાન કારખાનાના ટોયલેટમાં ફસાયેલા ૩૦ વર્ષીય યુવકને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

રાજકોટના હૂડકો ચોકડી પાસે આવેલ રામનગર-૩માં ઉત્તમ સોફામાં આગ લાગવાની ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે ૧૦:૧૪ વાગ્યે કોલ મળતાની સાથે જ નજીકના કોઠારિયા ફાયર સ્ટેશનથી તેમજ કનકનગર ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ૨ ગાડી દ્વારા તુરંત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કારખાનાની અંદર બાથરૂમમાં એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી જે અન્વયે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે ધુમાડાની વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો હતો અને શૌચાલયમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

બનાવની જાણ થતા ડીસીપી હેતલ પટેલ, આજી ડેમ પીઆઈ એન એન પટેલ સહિતનો કાફલો દોડી ગયો હતો. ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે સોફા બનાવવાનમાં વપરાતા રહેલ કાચો માલ અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે જ્યારે રેસ્ક્યુ કરીને હોસ્પિટલે ખસેડાયેલ ૩૦ વર્ષીય યુવક ચેતન શેલડીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

  • ૧૮૦ પહોંચી ફાયર નહીં, મોડા રેસ્ક્યુએ જીવ લીધો PGVCL તંત્રની બેદરકારીથી મોત : પરિવારના આક્ષેપો PGVCLને એક મહિનાથી ફરિયાદ છતાં અવગણના

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટનામાં એક વ્યક્તિનું ગૂંગળામણને કારણે મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. મૃતકના ભાગીદાર અને સાલા દેવેન્દ્ર ફાડકિયાએ સમગ્ર ઘટનાક્રમ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં સતત વીજ વિક્ષેપની સમસ્યા અંગે PGVCLને અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, છતાં કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું. ઘટના દિવસે સવારે દેવેન્દ્ર ફાડકિયા હૂડકો ચોકડી ખાતે હતા, ત્યારે તેમણે આગ લાગવાની માહિતી ફાયર વિભાગને આપી હતી. જોકે, તેઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી નહોતી. માત્ર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ જ સ્થળ પર પહોંચી હતી. પરિવારનો આક્ષેપ છે કે ફાયર વિભાગની ટીમ મોડી પહોંચતા અને શરૂઆતમાં જરૂરી ઓક્સિજન માસ્ક જેવી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે રેસ્ક્યુ કામગીરી મોડે શરૂ થઈ હતી. જેના કારણે ગૂંગળામણથી મૃતકનું મોત થયું હોવાનું કહેવાય છે. બનાવ સમયે મૃતકના ભાઈ શુભમ શેલડીયા પણ સ્થળ પર હાજર હતા.