Loading Please Wait !!!
વેપન કાર્ટેલ ગેંગના વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટિસ સાથે ઝડપાયા

 

કુલ 8 આરોપીની 21 હથિયાર, 32 જીવતા કાર્ટિસ સાથે પોલીસે કરી ધરપકડ

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટ પીસીબી દ્વારા વેપન કાર્ટેલ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા અનેક વિસ્તારોમાં હથિયારો સપ્લાય કર્યા હોય એક પછી એક હથિયારો સાથે હથિયારના સોદાગરોને પકડવામાં આવી રહ્યા છે. વેપન કાર્ટેલ ગેંગના ૫ શખ્સોને ૧૬ હથિયાર સાથે પકડ્યા બાદ વધુ ૩ સાગરીતોને ૫ હથિયાર અને ૪ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે બે દિવસ પૂર્વે બાતમી આધારે વેપન કાર્ટેલ ગેંગના મિર્ઝાપુરના સૂત્રધાર શકીલ સહિત પાંચ શખ્સોને ગઈકાલે ૧૬ હથિયાર અને ૩૦ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા હતા. પીસીબીની ટીમે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજસરા, અનિલ વીરાભાઈ જેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી ૧૦ દેશી પિસ્ટલ, ૫ દેશી કટ્ટા, ૧ દેશી રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા બાદ લોધિકા તાલુકાના વડવાજડી ગામે રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ, કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો આ પછી ચોટીલાના પ્રદીપ કરપડાએ જ ગુંજવાડાના આરીફ પઠાણને એક દેશી બનાવટની પિસ્ટલ અને મિર્ઝાપુરના શકીલે રણુજા મંદિર પાસે રહેતા જયપાલને બે હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પીસીબીની ટીમે ગુંજવાડા મેઈન રોડ પર રહેતા આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને રણુજા મંદિર પાસે વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ડેકાણિયાને ૨ પિસ્ટલ તથા બે જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા હતા. આરીફ સામે હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, એટ્રોસિટી, મનીલેન્ડ, ધમકી સહીતના ૧૦ જેટલા ગુનાઓ સાયબર ક્રાઈમ, ડીસીબી, થોરાળા, બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે.