વિધવા બહેનોને આર્થિક સહાય આપી સન્માન કરાયું
- સમાજસેવા : મોચી મંદિર વાડી ખાતે વિધવા અને વરિષ્ઠ નાગરિક બહેનો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
- મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 1200 રૂપિયાની સહાય અને સ્મૃતિચિહ્નનું વિતરણ
સીટી ન્યૂઝ@રાજકોટ
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઘી કાંટા રોડ સ્થિત મોચી મંદિર વાડી ખાતે શ્રી મોચી જ્ઞાતિ સમાજ (ટ્રસ્ટ) દ્વારા વિધવા અને એકલવાયું જીવન જીવતી વરિષ્ઠ નાગરિક બહેનો માટે આર્થિક સહાય અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થી બહેનોને કુલ રૂ. ૧૨૦૦ની આર્થિક સહાય તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય સંત શ્રી લાલાબાપાની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની જરૂરિયાતમંદ બહેનોને આર્થિક અને સામાજિક પીઠબળ પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી બહેનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ તરફથી દરેક લાભાર્થીને રૂ. ૫૦૦ની સહાય આપવામાં આવી હતી, ઉપરાંત સમાજના પ્રમુખ બીપીનભાઈ જેઠવા, હસમુખભાઈ પરમાર, અમિતભાઈ પરમાર, નયનભાઈ ચાવડા અને રાજેશભાઈ ચાવડા સહિતના દાતાઓનો સહયોગથી વ્યક્તિદીઠ કુલ રૂ. ૧૨૦૦ની રોકડ સહાય વિતરણ કરવામાં આવી હતી.
સાથે જ કિરણભાઈ ચાવડા તરફથી ભગવાન શ્રી વિષ્ણુની છબી ધરાવતું સ્મૃતિચિહ્ન પણ ભેટરૂપે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, દાતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને સહાયની રકમ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ લાભાર્થી બહેનો, જ્ઞાતિના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોએ સામૂહિક પ્રીતિભોજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજસેવા, સમરસતા અને સહભાગિતાનો માહોલ જોવા મળ્યો હતો.