જૈન સમાજના પનોતા પુત્ર રત્ન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની જીવન ઝાંખી..
- આધુનિક રાજકોટના આર્કિટેક્ટ વિજયભાઈ રૂપાણી
મૂલ્યનિષ્ઠ રાજનીતિને વરેલા, લોકશાહીને જીવંત રાખવા કટોકટી સમયે બાર-બાર મહિના જેલવાસ ભોગવેલો... પૂજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી કચરો વીણતાં બાળકોના કલ્યાણમાં પણ નિમિત બને છે. એકદમ સીધા સાદા, નિરભિમાની, નિ:સ્વાર્થ, મૂલ્ય નિષ્ઠ રાજનીતિને વરેલા... વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ... આ ઉક્તિ વારંવાર ઉચ્ચારતા...
સૌરાષ્ટ્રના ચાણક્ય ગણના પ્રમાણિક અને પ્રેમાળ એવા રમીરવંત પિતા રમણિકભાઈ અને ધર્મ વત્સલા માતા મેયાબા ઉપાશ્રી પરિવારના ખાનદાન કુટુંબમાં રંગૂન બર્માની ભૂમિ ઉપર તા. ૦૨/૦૮/૧૯૫૬ માં એક બાળકનું અવતરણ થયું. સાત ભાઈઓ અને ચાર બહેનોમાં સૌથી લાડીલા એવા આ બાળકનું નામ રાખવામાં આવ્યું “વિજય”.
પ્રાથમિક શિક્ષણ રાજકોટની પ્રદ્યુમનસિંહજી શાળામાં, માધ્યમિક અભ્યાસ વિરાણી સ્કૂલમાં મેળવ્યો. નેતાગીરીના ગુણ તેઓમાં બાળપણથી દશ્યમાન થવા લાગેલ. મિત્રો સાથે કોઈપણ રમત રમવાની વાત હોય કે કોઈ પણ કાર્યક્રમ સૌથી આગળ “વિજય” હોય. ગ્રેજ્યુએશન રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં કર્યું. આ જ કોલેજમાં તેઓ જનરલ સેક્રેટરી (G S) બન્યાં. બસ, તે દિવસોથી લઇ આજ સુધી તેઓનો કરિયર ગ્રાફ આકાશને આંબતો ઊંચેને ઊંચે જતો જોવા મળ્યો.
B.A. L.L.B. સુધીનો તેઓએ અભ્યાસ કર્યો. અભ્યાસ સાથે મહાપુરુષોના જીવન ચરિત્રોનું વાંચન કરતાં.
૧૯૭૬ માં વિજયભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો. તે સમયના વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી. યુવાનીના ઉંબરે પગ મૂકેલા “વિજય” ને થયું કે... “લોકો દ્વારા, લોકો માટે, લોકો થકી ચાલતી શું આ લોકશાહી છે ?” તેઓએ મનમાં ગાંઠ વાળી કે આ દેશ માટે મારે કાંઈક કરવું છે.
લોકશાહીને બચાવવા તેઓ રાજકોટની શેરી અને રસ્તા ઉપર લોકોને જગાડવા ઉતરી આવ્યા. વજુભાઈ વાળા, સ્વ.અરવિંદભાઈ મણિયાર, શ્રી ચીમનભાઈ શુક્લ, શ્રી પ્રવીણ કાકા, જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા), વડીલ બંધુ પ્રવિણભાઈ રૂપાણી વગેરે અનેક સંનિષ્ઠ કાર્યકરો સાથે વિજયભાઈ રૂપાણીની પણ ધરપકડ થઈ. એક બે નહીં પરંતુ બાર બાર મહિના કારાવાસ ભોગવ્યો. એ દિવસોનું સ્મરણ કરતાં વિજયભાઈ કહે છે કે જેલમાં સાથે રહેલા વડીલો પાસે જીવનનો બોધપાઠ શીખવા મળ્યો.
૧૯૮૭ માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોની લાગણીને માન આપી કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી વિજયી પતા થયા. સતત બે ટર્મ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બન્યાં. રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર પદે આરૂઢ થઈ શહેરના વિકાસમાં મહત્તમ યોગદાન આપ્યું. તેઓ કહેતા કે સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા સરળતા રહે તે માટે કો-ઓર્ડિનેશન હોવું જોઈએ. તેઓ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન થયા. ગુજરાતની દરેક મહાનગર પાલિકાઓના સર્વાંગી વિકાસમાં નિમિત બન્યાં.
વડાપ્રધાન મોદી સાહેબ વારંવાર કહે છે કે ટેરેરીઝમ નહીં ટૂરીઝમ વધારો. વિજયભાઈએ ગુજરાત ટૂરીઝમ ના ચેરમેન પદે કાબિલેતાર કામગીરી કરી વિશ્વના અનેક પર્યટકોને ગુજરાતમાં બોલાવી આન, બાન, શાનના દર્શન કરાવેલ.
કોઠાસૂઝ અને કઠોર પરિશ્રમથી વિજયભાઈ દાખલારૂપ નોંધપાત્ર પ્રગતિ કરતાં ગયાં.
૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બની ઉપલી સભા સંસદમાં ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વાચા આપી અનેક પ્રશ્નો હલ કર્યાં.
ગુજરાત સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન પદે અનેક પ્રકલ્પો સફળતાપૂર્વક સાકાર કર્યા. વિજયભાઈ સંગઠનના રાજા કહેવાય છે.
અનુભવી રાજકારણીઓ કહે છે કે સંગઠન એ સૌથી અઘરો વિષય ! અઘરા વિષયને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદે આરૂઢ થઈ સહેલાઈથી “સૌનો સાથ સૌનો વિકાસ “ સૂત્રને ચરિતાર્થ કર્યું. તેઓ પક્ષના પ્રદેશ પ્રવક્તા પદે બેનમૂન કામગીરી કરી, ગઢડા હોય કે ગાંધીનગર, જૂનાગઢ હોય કે જેતપુર દરેક કાર્યકરોને અને જાહેર જીવનના અગ્રણીઓને નામથી ઓળખે. ગુજરાતના તમામ જીલ્લા, શહેરો, તાલુકા, ગામડાઓ ઉપર તેમની નજર હોય. કોઈપણ ખૂણે બનેલા રાજકીય બનાવ ઉપર તેમની નજર હોય. દરેક બાબતોનું ચિંતન, મંથન કરે, એટલે જ કહેવાય છે કે કાર્યકરો ના નાડનો ધબકાર એટલે વિજયભાઈ રૂપાણી..
સમગ્ર ભારતભરમાં એક માત્ર એવી એક સંસ્થા છે કે જે સમાજના છેવાડાના, કચરો વીણતા બાળકો , ઝૂંપડપટ્ટીના લોકોનું કેમ કલ્યાણ થાય, આવા લોકોનું ઉત્થાન અને ઉત્કર્ષ થાય તેવી સદ્ પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે “પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ”. આ સેવાભાવી ટ્રસ્ટના વિજયભાઈ સ્થાપક ચેરમેન છે. ટ્રસ્ટના માધ્યમથી અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ તેની પત્નીનો નોંધપાત્ર સહકાર હોય છે. વિજયભાઈના ધર્મ પત્ની અંજલીબેન પણ ધાર્મિક, સામાજિક, સેવાકીય, રાજકીય દરેક કાર્યમાં સરાહનીય સહયોગ પ્રદાન કરે છે.
૨૦૧૪ માં માનનીય શ્રી વજુભાઈ વાળાની કર્ણાટક રાજ્યના ગવર્નર પદે નિમણૂંક થવાથી રાજકોટ (૨) વિધાનસભાની સીટ ખાલી થઈ. પક્ષના આદેશને શિરોધાર્ય કરી પ્રતિષ્ઠાભર્યા જંગમાં વિજયભાઈએ ઝંપલાવ્યું. ચૂંટણી સભાઓમાં વિજયભાઈ કહેતા કે જ્યાંથી આદરણીય અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લડ્યા હોય એ જ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરવાનો સુઅવસર આવે એ મારા માટે ગર્વ અને ગૌરવની ક્ષણ છે. બબ્બે વખત વિજયભાઈ આ સીટ ઉપરથી વિશાળ મતોથી વિજયી થયા અને ગુજરાતના મુખ્ય મંત્રી પદે આરૂઢ થઈ શ્રેષ્ઠ અને બેસ્ટ કામગીરી કરેલ.
વિજયભાઈ કહે છે કે સફળતા ક્યારેય એકાએક મળતી નથી. એની પાછળ વર્ષોની મહેનત અને જહેમત ધરાયેલી હોય છે. નિષ્ઠાપૂર્વક જવાબદારી વહન કરો એટલે નામ તો આપોઆપ પાછળ દોડતું આવશે. ૧૮ વર્ષની ઉંમર અને ૪૫ વર્ષના જાહેર જીવનના કાર્યકાળ દરમ્યાન તેઓએ પ્રગતિ કરી દરેક ક્ષેત્રે ડંકો વગાડ્યો છે.
કર્તૃત્વ, મૂલ્ય નિષ્ઠ સિદ્ધાંતો તેમજ પોતાની આગવી કોઠાસૂઝના ત્રિવેણી સંગમ એટલે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી..
આધુનિક રાજકોટના શિલ્પી એટલે વિજયભાઈ રૂપાણી. આજી રિવર ફ્રન્ટ, લોક વિજ્ઞાન કેન્દ્ર, ચાર શોપિંગ સેન્ટર, માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્સ ખાતે, ખીરસરા જીઆઇડીસી, ઇનડોર સ્ટેડિયમ, રાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સ લેન રોડ વગેરે અનેક આધુનિક પ્રોજેક્ટો નિર્માણ કરી રાજકોટના આધુનિક શિલ્પી રહ્યા હતા.
૧૯૭૫ માં જયપ્રકાશ નારાયણની સભા બાદ પોતે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ભ્રષ્ટ સરકાર સામે ચાલતી લડત અને નવનિર્માણ આંદોલનમાં જયપ્રકાશ નારાયણની સભા રાજકોટમાં બોલાવેલ તેમાં શાસ્ત્રી મેદાન ખાતે ૧,૦૦,૦૦૦ ની મેદની એકત્ર થઈ હતી. આ સભાના આયોજનની ભૂમિકા તેમની રહી હતી. ત્યારથી તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને પોતાની જનશક્તિનો પરચો દેખાઈ રહ્યો હતો.
તેમની એક વિશેષતા એ રહી હતી કે સત્તા અને સંગઠન બંનેમાં ટોચના હોદ્દા ઉપર રહ્યા છતાં લોકો સાથે તેમનો આત્મીયતાનો નાતો અકબંધ રહ્યો હતો. તેઓએ જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં સંવાદ, લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ, આ તમામ બાબતો પોતાના કાર્યોમાં સાર્થક કરેલ છે.
કાર્યકરોના નાડનો ધબકાર એટલે વિજયભાઈ રૂપાણી...