વરસાદે વિકાસની પોલ ખોલી !
- સ્ટ્રક્ચર નબળું પડતા રી-ડેવલપમેન્ટનો નિર્ણય
- બાલાજી વેફર પાસેનો પૂલ બેસી ગયો ?
- તંત્રની સ્પષ્ટતા: નબળો પડતા તોડી નાખવામાં આવ્યો છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં બાલાજી વેફર નજીક આવેલા પૂલમાં ગાબડાની ઘટના બાદ લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. વિભાગના અધિકારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ પૂલ સ્ટ્રક્ચરલી નબળો પડી ગયો હતો, જેના કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પૂલને નિયંત્રિત રીતે તોડી પાડવામાં આવ્યો છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે પૂલ તોડતા પહેલા વાહનવ્યવહારને અસર ન થાય તે માટે યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હાલ ટ્રાફિકને વિકલ્પ માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યો છે. વિભાગના જણાવ્યા મુજબ, નવી અને વધુ મજબૂત રચના સાથે આ સ્થળે પૂલનું પુનર્નિર્માણ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓથી બચી શકાય. આ ઘટનાએ એકવાર ફરી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે, સાથે જ સમયસર રી-ડેવલપમેન્ટની જરૂરિયાત પણ સ્પષ્ટ કરી છે.
- ધોરાજીમાં સાવેલી નદીનો ડાયવર્ઝન પૂલ તણાયો: 100 ગામોનો સંપર્ક તૂટ્યો
- વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ; ખેડૂત, વિદ્યાર્થીઓને ભારે હાલાકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભારે વરસાદને પગલે ઝાંઝમેર-સોડવદર માર્ગ પર સાવેલી નદીનો કામચલાઉ ડાયવર્ઝન પૂલ ધોવાઈ ગયો છે. નવા પુલનું કામ ચાલુ હોવાથી બનાવાયેલા આ ડાયવર્ઝનને પાણીના જોરદાર પ્રવાહે તોડી નાખ્યો હતો. પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને ૧૦૦થી ૧૫૦ જેટલા ગામોનો સંપર્ક ખોરવાયો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝાંઝમેર ગ્રામ પંચાયતે તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
ધોરાજી તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે ઝાંઝમેર-સોડવદર માર્ગ પર સાવેલી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ નદી પર નવા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી વાહનવ્યવહાર માટે એક કામચલાઉ ડાયવર્ઝન પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદી પાણીના જોરદાર અને ધસમસતા પ્રવાહ સામે આ ડાયવર્ઝન ટકી શક્યું ન હતું અને જોતજોતામાં જ ધોવાઈ ગયું હતું.