સ્વ.વિમલભાઈની સ્મૃતિમાં રક્તદાન કેમ્પમાં 207 યુનિટ રક્તદાન એકત્ર
૩૪મા જન્મદિવસે સ્વ. વિમલભાઈ પરમારને અનોખી શ્રદ્ધાંજલિ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના વિધાનસભા-૬૮ વિસ્તારમાં આવેલા આર્યનગ૨ કોમ્યુનિટી હોલ ખાતે શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમારના પુત્ર સ્વ. વિમલભાઈ પરમારના ૩૪મા જન્મદિવસ નિમિત્તે મહરક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા કુલ ૨૦૭ યુનિટ રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા સહિત ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમસ્ત કોળી સમાજના આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રક્તદાન માનવતાનું સર્વશ્રેષ્ઠ દાન છે અને એક યુનિટ રક્ત અનેક દર્દીઓને નવું જીવન આપી શકે છે. સ્વ. વિમલભાઈની સ્મૃતિને સમાજોપયોગી સેવાકાર્ય સાથે જોડવાનો પ્રયાસ પ્રશંસનીય હોવાનું તેમણે જણાવ્યું હતું. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે વ્યક્તિ વિદાય લે છે, પરંતુ તેના સંસ્કારો અને સેવાકીય કાર્યો હંમેશા જીવંત રહે છે. આવા સેવાકાર્યો સમાજમાં કરુણા, માનવતા અને સહયોગની ભાવના મજબૂત બનાવે છે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે રમેશભાઈ પરમારે કેમ્પને સફળ બનાવવા બદલ સ્વ. વિમલભાઈના જીગરજાન મિત્રો, ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન, વિધાનસભા-૬૮ ભાજપ પરિવાર, સમસ્ત કોળી સગાજ રાજકોટ, તમામ રક્તદાતાઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, તબીબી ટીમ, સહયોગી સંસ્થાઓ અને પ્રેસ-મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય સેવાયોજો યોજી વધુને વધુ લોકોને જીવનદાન મળે તે માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. વિમલભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી માનવસેવાના આવા કાર્યક્રમોને સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.