વિરાણી હાઈસ્કૂલમાં યોગ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો
સીટી ન્યૂઝ@રાજકોટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા યોગ પ્રશિક્ષણ અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ પ્રશિક્ષક મયુરીબેન સોનીએ વિદ્યાર્થીઓને યોગના શારીરિક અને માનસિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને યાદશક્તિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારવા તેમજ તણાવ ઘટાડવા માટે વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને મુદ્રાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
ઉપરાંત સૂર્યનમસ્કાર અને શીર્ષાસન જેવા યોગ પ્રયોગોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિલ્પાબેન શિંગાળાએ લાઈફ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ કોડિયાએ યોગની ઉપયોગિતા અને આજના જીવનમાં તેની અનિવાર્યતા અંગે માર્ગદર્શન આપી લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિરાણી હાઈસ્કૂલના શિક્ષક પ્રતાપ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ દિવસની ઉજવણી પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ અને રસ વધ્યો હતો.