ગુરૂપૂર્ણિમાએ વીરપુરમાં ભાવિકોનો જનસાગર ઉમટ્યો
દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા; ગાદીપતિ રઘુરામબાપાના હસ્તે ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું પૂજન
સિટી ન્યૂઝ@વીરપુર
ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ સંત જલારામબાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર યાત્રાધામ "જય જલારામ"ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં તરબોળ થઈ ગયો હતો.
ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે જલારામબાપાની જગ્યાએ વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા ભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જલારામ ધૂન ગાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો અને સતત ધૂન-ભજનથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ અવસરે સંત જલારામબાપાના ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, ભાવિકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજન વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને આરતીથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ગુરૂપૂર્ણિમાના પર્વને લઈને અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા ભક્તોએ જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે આવીને ગુરુદેવના દર્શન કર્યા અને જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિની કામના વ્યક્ત કરી હતી. દર્શન બાદ ભાવિકોએ આધ્યાત્મિક આનંદ, સંતોષ અને ધન્યતાની લાગણી અનુભવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર યથાવત રહી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધા, આસ્થા અને ઉમંગ સાથે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થાના દષ્ટિકોણથી પોલીસ તથા સ્વંયસેવકો પણ સતત કાર્યરત રહ્યા હતા, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.