Loading Please Wait !!!
વીરપુર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું ફોટો સેશન; સુવિધા નામે માત્ર મીંડું

સફાઈ કામદારો કાઢે છે દર્દીઓના કેસ, દાંતના ડોક્ટરની ખુલ્લેઆમ મનમાની

  • જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ અને આરોગ્ય અધિકારીઓની સરપ્રાઈઝ વિઝિટ માત્ર દેખાડો સાબિત થઈ, જાગૃત નાગરિકોનો આક્રોશ

  • ડોક્ટરોના સરકારી ક્વાર્ટર્સમાં આઉટસોર્સના ભાડૂઆતોનો કબજો, તબીબો પોતાના વતનથી કરે છે અપડાઉન!

સગર્ભાઓને 15 કિમી દૂર મેવાસાના ધક્કા

ભૂતકાળ પર નજર કરીએ તો એક સમયે આ હોસ્પિટલમાં આસપાસના ૨૦ થી ૩૦ ગામોની મહિલાઓની સફળ પ્રસુતિ (ડિલિવરી) થતી હતી. પરંતુ આજે તંત્રની બેદરકારીને કારણે સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે સગર્ભા મહિલાઓને પ્રસુતિની પીડા ઉપડે ત્યારે સારવાર આપવાના બદલે સીધી જૂનાગઢ કે રાજકોટ રિફર કરી દેવાય છે. આ લાંબી મુસાફરીમાં માતા અને બાળકના જીવ પર મોટું જોખમ તોળાયેલું રહે છે. આટલી હાલાકી ઓછી હોય તેમ, સગર્ભાઓને સરકારની યોજના માટે અત્યંત જરૂરી એવું 'મમતા કાર્ડ' કઢાવવા માટે વીરપુરથી ૧૫ કિલોમીટર દૂર મેવાસા ગામે ધક્કા ખાવા મજબૂર કરાય છે, જે તંત્રની સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે. આ ઉપરાંત, ગરીબો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ ગણાતું 'આયુષ્માન કાર્ડ' કઢાવવામાં પણ સર્વર ડાઉન કે સ્ટાફના અભાવના બહાના હેઠળ મહિનાઓ સુધી લોકોને કચેરીઓમાં રઝળાવવામાં આવે છે.

સીટી ન્યૂઝ@ગૌરવ ગાડુપરા-વીરપુર

સંત શિરોમણી જલારામ બાપાની પાવન ભૂમિ અને જગવિખ્યાત યાત્રાધામ વીરપુર, જ્યાં અન્નક્ષેત્રો અને સેવાના અવિરત પ્રવાહો વહે છે, ત્યાં જ આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માત્ર 'ભગવાન ભરોસે' જ જીવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામંત બાંભવા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી (QMO ડો. પી. કે. સિંહ અને THO) ની ટીમ દ્વારા હોસ્પિટલની 'આકસ્મિક મુલાકાત' લેવામાં આવી હતી. તંત્ર દ્વારા ભલે દર્દીઓની સેવા, ઈમરજન્સી વિભાગ અને દવાની સક્ષમતા કર્તાના મોટા મોટા અને પોકળ દાવાઓ કરવામાં આવતા હોય, પરંતુ જાગૃત નાગરિકોના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ એસી ગાડીઓના કાફલા સાથે આવેલી આ ટીમની મુલાકાત માત્ર અખબારોમાં ચમકવા પૂરતું એક 'ફોટો સેશન' જ સાબિત થઈ છે. મુલાકાત સમયે જ કેટલાક સ્થાનિક ડોક્ટરો અને જવાબદાર કર્મચારીઓ ગેરહાજર જણાતા તંત્રની લાલીયાવાડી અને વહીવટી નિષ્ફળતાનો ભાંગો ફૂટી ગયો છે.

હોસ્પિટલની અંદરની વાસ્તવિકતા બહારથી દેખાતા ફલકકામ કરતા અત્યંત આઘાતજનક છે. દર્દીઓ સવારથી બીમારીની પીડા સાથે લાઈનમાં ઉભા હોય છે, પરંતુ તેમને માટે સમયસર કેસબારી ખુલતી જ નથી. કેટલીકવાર તો હોસ્પિટલના સફાઈ કામદારો એ શરમજનક આક્ષેપો ઉઠ્યા છે, જે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં સમાન છે. નિયમ મુજબ હોસ્પિટલના સ્ટાફે રાત્રિ રોકાણ અને ઈમરજન્સી સેવા માટે ફરજના સ્થળે હાજર રહેવાનું હોય છે, પરંતુ અહીંના ડોક્ટરો પોતાના વતનથી રોજેરોજ અપડાઉન કરે છે, જેથી તેઓ મોડા આવે છે અને વહેલા જતા રહે છે. આ ઉપરાંત સ્ટાફના અભાવે લાખોના ખર્ચે ફાળવાયેલા સરકારી ક્વાર્ટર્સમાં અન્ય આઉટસોર્સ કર્મચારીઓને ગેરકાયદેસર ભાડૂઆત તરીકે ઘુસાડી દેવામાં આવ્યા છે. હોસ્પિટલના લાંબા સમયથી કોઈ કાયમી સર્જન નથી, ગોટાબાગના નિષ્ણાતો માત્ર ડેપ્યુટેશન પર જ ગાફૂલ ગભડાવે છે. રાત્રે કોઈ ડોક્ટર હાજર ન રહેતા, અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીઓ મજબૂરીમાં ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું પડે છે. દાંતના ડોક્ટર (ડેન્ટિસ્ટ) પણ પોતાની મરજી મુજબના સમયે આવી દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન અને મનમાની કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

આ તમામ વરવી હકીકતો સ્પષ્ટપણે દર્શાવે છે કે એસી ગાડીઓમાં આવીને માત્ર નિરીક્ષણનો ડોળ કરતા ઉચ્ચ અધિકારીઓને સામાન્ય જનતાની પીડા, તેમના આંસુ કે હાલાકી સાથે કોઈ જ લેવાદેવા નથી. લોકો હવે રોષભેર પૂછી રહ્યા છે કે નેતાઓના આ ફોટો સેશન અને દેખાડા પછી શું ખરેખર હોસ્પિટલની સુવિધા સુધરશે? કે પછી દર્દીઓની સ્થિતિ કાયમ માટે 'જેસે થે' જ રહેશે? સામાન્ય માણસને આરોગ્યની પાયાની સુવિધાઓ આપવામાં માટે તંત્ર ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે અને જવાબદારો સામે કડક પગલાં લેશે, તે જોવું રહ્યું.