Loading Please Wait !!!
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં નવી આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ

બાળ વોર્ડ, આધુનિક ઉપકરણો અને નવીનીકરણ કરાયેલા ડોક્ટર રૂમનું ઉદ્ઘાટન

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)ના અધ્યક્ષ સુજાતા પાંડેએ રાજકોટ સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલની મુલાકાત દરમિયાન વિવિધ નવી આરોગ્ય સુવિધાઓ અને તબીબી ઉપકરણોનું લોકાર્પણ કર્યું હતું.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ પાંડેએ નવવિકસિત બાળ વોર્ડ, બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીન, પ્રતીક્ષા ખંડમાં સ્થાપિત ટેલિવિઝન, દંત ચિકિત્સા માટે ઉપલબ્ધ કરાયેલ આઈ-એલઈડી લાઇટ ક્યોર ઉપકરણ તેમજ નવીનીકરણ કરાયેલા ડોક્ટર રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરી દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધીક્ષક ડો. રાજકુમારે છેલ્લા બે વર્ષ દરમિયાન હોસ્પિટલમાં થયેલા વિકાસ કાર્યો અને આરોગ્ય સેવાઓમાં થયેલા સુધારાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં આધુનિક તબીબી સાધનો, દર્દી સુવિધાઓના વિસ્તરણ અને રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવાજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓની માહિતી આપવામાં આવી હતી.

સુજાતા પાંડેએ હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર અને બહેતર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી રેલવેની પ્રાથમિકતા છે અને રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ આ દિશામાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે. કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટના અધ્યક્ષ સુકેશી મીના સહિત સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.