Loading Please Wait !!!
'ઓપરેશન સિંદૂર' ટાઇટલ આખરે રજિસ્ટર થયું: 150 અરજીઓ વચ્ચે જંગ

  • IMPPA માં ટાઇટલ મેળવવા નિર્માતાઓ વચ્ચે સ્પર્ધા; ટૂંક સમયમાં ફિલ્મ પર કામ શરૂ થશે
  • રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ જેએસ ધિલ્લોનના પુસ્તક પર આધારિત હશે ફિલ્મ; પાકિસ્તાન પરની સ્ટ્રાઇકની ગાથા
  • પહેલગામ આતંકી હુમલાની વાસ્તવિક ઘટના પર બનશે ફિલ્મ; વિષ્ણુ વર્ધને સ્ક્રિપ્ટિંગ શરૂ કર્યું.

સિટી ન્યુઝ @ મુંબઈ :  ભારતની શૌર્યગાથા સમાન 'ઓપરેશન સિંદૂર' ના એક વર્ષ પૂર્ણ થવા પર હવે આખરે ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) માં આ ટાઇટલ રજિસ્ટર થઈ ગયું છે. ગયા વર્ષે આ ઓપરેશનની સફળતા બાદ ફિલ્મ નિર્માતાઓમાં આ વિષય અને નામ પર ફિલ્મ બનાવવા માટે જોરદાર સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. જાણકારોના મતે, 'ઓપરેશન સિંદૂર' અને તેને મળતા આવતા નામો માટે આશરે 150 જેટલા ફિલ્મ નિર્માતાઓએ અરજીઓ કરી હતી, જેમાંથી હવે એક મંજૂર કરવામાં આવી છે.

ટાઇટલને લીલી ઝંડી મળ્યા બાદ હવે આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ થવાની શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે આ વિષય પર અત્યાર સુધી અન્ય બે મોટા પ્રોજેક્ટ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. જેમાં સૌથી પહેલું નામ ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીનું છે. તેમની ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) જેએસ 'ટાઈની' ધિલ્લોનના ચર્ચિત પુસ્તક 'ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન' પર આધારિત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે વરુણ ધવનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

બીજી તરફ, બ્લોકબસ્ટર ફિલ્મ 'શેરશાહ' ના ડાયરેક્ટર વિષ્ણુ વર્ધને પણ આ વિષય પર પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની ફિલ્મનું નામ 'ધ ટેરર રિપોર્ટ' હોવાની ચર્ચા છે, જે ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવી શકે છે. ફિલ્મ જગતમાં આ વિષયને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે પણ દેશમાં કોઈ મોટી કે ઐતિહાસિક ઘટના બને છે ત્યારે નિર્માતાઓમાં તેનાથી જોડાયેલા નામો રજિસ્ટર કરાવવાની હોડ જામતી હોય છે. પુલવામા એટેક હોય કે ઓપરેશન સિંદૂર, આ એક નિશ્ચિત પેટર્ન બની ગઈ છે. જોકે, વાસ્તવિકતા એ છે કે અરજી કરનારા 150 નિર્માતાઓમાંથી માત્ર જૂજ લોકો જ ખરેખર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. ઘણા નિર્માતાઓ માત્ર પબ્લિસિટી મેળવવા માટે પણ આવી અરજીઓ કરતા હોય છે.

નિષ્ણાતોના મતે, ઘણીવાર જ્યારે કોઈ ઘટનાની ચર્ચા ઠંડી પડી જાય છે ત્યારે ફિલ્મમેકર્સનો ઉત્સાહ પણ ઓસરી જતો હોય છે. પરંતુ 'ઓપરેશન સિંદૂર' ના કિસ્સામાં મોટા બેનરો અને નામી ડાયરેક્ટર્સ સંકળાયેલા હોવાથી પ્રેક્ષકોને ટૂંક સમયમાં જ થિયેટરોમાં દેશભક્તિથી લથપથ ફિલ્મો જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કયો ફિલ્મમેકર સૌથી પહેલા પોતાની ફિલ્મ રજૂ કરીને દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.