શાળાઓનું સંચાલન હવે વાલીઓના હાથમાં: કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય
- દેશની 15 લાખ શાળાઓમાં મે 2026 થી નવી ગાઈડલાઈન્સ; વાલીઓ નક્કી કરશે સ્કૂલનું બજેટ
- PWD ની મંજૂરી વિના SMC કરાવી શકશે નિર્માણ કાર્ય; શિક્ષણ મંત્રાલયે નિયમોમાં કર્યો ફેરફાર
- હેડમાસ્ટર અને વાલીનું સંયુક્ત ખાતું રહેશે; વાર્ષિક 'સોશિયલ ઓડિટ' હવે દરેક શાળામાં ફરજિયાત
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સરકારી શાળાઓની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે મે 2026 થી નવી ગાઈડલાઈન્સ લાગુ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક બદલાવ હેઠળ દેશની લગભગ 15 લાખ શાળાઓનું સંચાલન અને વિકાસ હવે સીધો વાલીઓના હાથમાં રહેશે. નવી શિક્ષણ નીતિ (NEP) 2020 અને શિક્ષણનો અધિકાર કાયદો (RTE) 2009 હેઠળ ઘડાયેલા આ નિયમો મુજબ, શાળાઓ હવે માત્ર સરકારી સંસ્થા ન રહેતા એક ‘સામાજિક સંપત્તિ’ તરીકે ઉભરી આવશે.
નવા નિયમો મુજબ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ને અભૂતપૂર્વ નાણાકીય સત્તાઓ આપવામાં આવી છે. હવેથી શાળાઓમાં 30 લાખ રૂપિયા સુધીના નિર્માણ કાર્યો માટે PWD ની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં, કમિટી જાતે જ આ કામો કરાવી શકશે. સૌથી મહત્વનો બદલાવ ‘ચેકબુક પાવર’ માં કરવામાં આવ્યો છે, જેમાં શાળાનું બેંક ખાતું હવે હેડમાસ્ટર અને SMC ના અધ્યક્ષ (જે એક વાલી હશે) ના સંયુક્ત નામે રહેશે. આ વ્યવસ્થાને કારણે વાલીઓની સંમતિ વિના શાળાના ફંડનો ઉપયોગ કરી શકાશે નહીં.
વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હવેથી દર વર્ષે ‘સોશિયલ ઓડિટ’ ફરજિયાત કરવામાં આવ્યું છે. શાળાના એક-એક પૈસાનો હિસાબ હવે સાર્વજનિક રૂપે નોટિસ બોર્ડ પર લગાવવો પડશે, જેથી કોઈપણ નાગરિક તે જોઈ શકે. આ ઉપરાંત, શાળાઓને હવે કાયદેસર રીતે ખાનગી કંપનીઓ પાસેથી CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડ લેવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે, જે અત્યાર સુધી જટિલ પ્રક્રિયા હતી.
કમિટીના માળખામાં પણ ધરખમ ફેરફાર કરાયા છે. નવી સમિતિમાં 75% સભ્યો વાલીઓ હશે, જેમાંથી 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. બાકીના 25% સભ્યોમાં શિક્ષકો, સ્થાનિક પંચ કે કાઉન્સિલર અને શિક્ષણવિદોનો સમાવેશ થશે. આ સમિતિનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે અને તેમણે દર મહિને ફરજિયાત બેઠક યોજવી પડશે. કમિટીને સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે પોલીસ કે આરોગ્ય વિભાગ સાથે સીધી કાર્યવાહી કરવાની સત્તા પણ મળી છે.
આગામી સમયમાં આ કમિટીઓ ત્રણ વર્ષની ‘સ્કૂલ વિકાસ યોજના’ (SDP) તૈયાર કરશે. આ માસ્ટર પ્લાન મુજબ શાળાના માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક ગુણવત્તાની દર વર્ષે સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ પગલાથી સરકારી શાળાઓની છબી સુધરશે અને સ્થાનિક સ્તરે ઉત્તરદાયિત્વ વધશે તેવી આશા સેવાઈ રહી છે. વાલીઓની સીધી દેખરેખથી સરકારી ગ્રાન્ટનો વધુ સચોટ ઉપયોગ થઈ શકશે અને શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવશે.