ભાવનગરની રામ ઔર શ્યામ ગોલાની દુકાન પર ધિંગાણું: ખુરશીઓ અને કચરાપેટી વેરવિખેર કરી વેપારી પર હુમલો!
-
ગઇકાલે રાત્રિના સુમારે મોટરસાયકલ પરથી ડસ્ટબીન પડી જવા બાબતે વિવાદ સર્જાયો હતો.
-
ઇલિયાસ દાઉદભાઈ બિલખિયા અને ધાર્મિક રાજેશભાઈ વાજાએ સામસામે ફરિયાદો નોંધાવી છે.
-
હુમલા દરમિયાન છરી અને કાચની બોટલોનો ઉપયોગ થતા યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી રામ ઔર શ્યામ ડીશ ગોલાની દુકાન સામે ગઇકાલે રાત્રિના સુમારે મોટરસાયકલ પરથી ડસ્ટબીન પડી જવા બાબતે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બંને પક્ષો દ્વારા એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેમાં યુવકો પર કાચની બોટલ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડિયો પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.
ઘોઘા રોડ પોલીસ મથકે પ્રથમ પક્ષે રામ ઔર શ્યામ ડીશ ગોલાની દુકાન ચલાવતા ઇલિયાસ દાઉદભાઈ બિલખિયાએ ફરિયાદ નોંધાવી છે કે, ગતરાત્રિના સમયે બે અજાણ્યા યુવકો મોટરસાયકલ પર આવીને દુકાન સામે રાખેલ ડસ્ટબીનને પાટુ મારીને પાડી દીધેલ. જ્યારે ઇલિયાસના મોટા પુત્ર અકીલે તેમને કારણ પૂછ્યું, ત્યારે બંને શખ્સોએ ઉશ્કેરાઈને ગાળો બોલી હતી અને પેન્ટના નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. ધાર્મિક રાજેશભાઈ વાજાએ અકીલના જમણી સાઈડના પડખાના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, જ્યારે ક્રિશ વિશાલભાઈ ચૌહાણે નાના પુત્ર આદિલના ડાબા પગના પંજાના ભાગે છરી મારી ઇજા કરી હતી.
જ્યારે સામે પક્ષે કરચલિયા પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ધાર્મિક રાજેશભાઈ વાજાએ ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં તેઓ મિત્ર ક્રિશ સાથે ઘોઘા સર્કલ ભવાની પાન પાસે ગયા હતા. પરત ફરતી વેળાએ રામ ઔર શ્યામ ડીશ ગોલા વાળાની દુકાન સામે મુકેલા ડસ્ટબીનમાં પગ અડી જવાથી તે નીચે પડી ગયું હતું. આ બાબતે દુકાનદાર ઇલિયાસના પુત્ર અકીલે ઉશ્કેરાઈને સરબતની કાચની બોટલ ધાર્મિકના માથાના તથા છાતીના ભાગે મારી દીધી હતી અને મિત્ર ક્રિશને પણ ઇજા પહોંચાડી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઈજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.