જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં લોખંડનો ગેટ કૂદવા જતા સિંહ બાળ ફસાયું!
-
અંદાજે ૧ થી ૨ વર્ષની ઉંમરનું સિંહ બાળ વહેલી સવારે ભ્રમણ કરી રહ્યું હતું.
-
છૂટવાના પ્રયાસોમાં સિંહ બાળને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
-
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સાધનો સાથે સ્થળ પર પહોંચી.
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ, જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. આ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષની ઉંમરનું એક નાનું નર સિંહ બાળ ભ્રમણ કરી રહ્યું હતું, તે દરમિયાન રસ્તા પર આવેલ પરિસરના લોખંડના ઊંચા ગેટ પરથી કૂદીને બીજી તરફ પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કૂદકા દરમિયાન કમનસીબે સિંહ બાળનો પાછળનો પગ લોખંડના ગેટની તીક્ષ્ણ ગ્રીલ કે સળિયા વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો અને તે ગેટ પર જ લટકી પડ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગનો સ્ટાફ તથા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક તમામ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સાવચેતી રાખી સિંહ બાળને કોઈપણ નુકસાન પહોંચ્યા વગર સુરક્ષિત રીતે ગેટમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઈજાગ્રસ્ત સિંહ બાળને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે જૂનાગઢના પ્રસિદ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યું હતું.
સક્કરબાગ હોસ્પિટલ ખાતે નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ દ્વારા તેના ઈજાગ્રસ્ત પગની તબીબી તપાસ હાથ ધરીને જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સિંહ બાળની શારીરિક સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને તેને તબીબોના સતત અને ૨૪ કલાકના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે. યોગ્ય સમયસર સારવાર મળવાથી સિંહ બાળના જીવ પરનું સંભવિત જોખમ ટળી ગયું છે.
ગિરનાર જંગલમાંથી અવારનવાર જૂનાગઢ શહેરના વિસ્તારમાં આવતા વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત કટિબદ્ધ છે અને આવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવા માટે સજ્જ રહે છે.