હોમ લોન અને કાર લોન ધારકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે, રેપો રેટ યથાવત રહેવાની શક્યતા!
-
૭૨ અર્થશાસ્ત્રીઓ સાથેના સર્વેમાં ૬૬ નિષ્ણાતોએ વ્યાજદરો સ્થિર રહેવાનો મત વ્યક્ત કર્યો.
-
વૈશ્વિક અને ઘરેલુ આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંક રાહ જોશે.
-
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં સરેરાશ છૂટક મોંઘવારી ૪.૮ ટકા રહેવાનો અંદાજ છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, જો તમે હોમ લોન, કાર લોન કે અન્ય ફ્લોટિંગ રેટ ધરાવતી લોનનો માસિક હપ્તો ઘટવાની રાહ જોઈ રહ્યાં છો, તો હાલ પૂરતી આના માટે હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. ભારતીય રિઝર્વ બેંકની ઓગસ્ટમાં યોજાનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પહેલાં આવેલાં રોયટર્સના સર્વેથી સંકેત મળ્યાં છે કે સેન્ટ્રલ બેંક આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. નિષ્ણાતોનું માનવું છે કે હાલની વૈશ્વિક અને ઘરેલુ આર્થિક પરિસ્થિતિઓને જોતાં સેન્ટ્રલ બેંક હાલ રાહ જોવાની વ્યૂહરચના અપનાવશે અને વ્યાજદરોને ૫.૨૫ ટકા પર જ જાળવી રાખશે.
રોયટર્સે ૨૧ થી ૨૭ જુલાઈ વચ્ચે ૭૨ અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં ૬૬ નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ ઓગસ્ટની સમીક્ષામાં રેપો રેટ યથાવત રાખશે. સર્વેમાં સામેલ મોટાભાગનાં નિષ્ણાતોનો અંદાજ છે કે આરબીઆઈ માત્ર ઓગસ્ટમાં જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ ૨૦૨૬ દરમિયાન પણ નીતિગત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને આગામી ફેરફાર ૨૦૨૭ ની શરૂઆતમાં જ જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે આવનારાં મહિનાઓમાં બેંકોના ધિરાણ ખર્ચ અને લોનના વ્યાજદરોમાં મોટા ફેરફારની શક્યતા નહિવત છે.
જૂનમાં છૂટક મોંઘવારી વધીને ૪.૩૮ ટકા પર પહોંચી ગઈ હતી, પરંતુ તે હજુ પણ આરબીઆઈની નિર્ધારિત લક્ષ્ય મર્યાદાની અંદર છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારીમાં તાજેતરનો વધારો અસ્થાયી છે અને હાલમાં એવી પરિસ્થિતિ નથી કે સેન્ટ્રલ બેંક વ્યાજદરો વધારવા માટે મજબૂર બને. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં સરેરાશ છૂટક મોંઘવારી ૪.૮ ટકા રહેવાનો અંદાજ છે, જે આરબીઆઈના ૫.૧ ટકાના અંદાજ કરતાં ઓછો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભૂ-રાજકીય તણાવ, અમેરિકાની ટેરિફ નીતિ અંગેની અનિશ્ચિતતા અને વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્ત ગતિ જેવા પરિબળો પણ આરબીઆઈના આ નિર્ણયને પ્રભાવિત કરી રહ્યા છે. જો વ્યાજદરો વધારવામાં આવે તો તેનાથી લોન મોંઘી થશે અને રોકાણ તથા વપરાશ પર વિપરીત અસર પડી શકે છે.
આ સ્થિતિને જોતા સામાન્ય ગ્રાહકો અને લોનધારકો માટે હાલ વ્યાજદરોના મોરચે કોઈ મોટા આંચકાની સંભાવના નથી, જે બજાર માટે રાહતના સમાચાર કહી શકાય.