દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તા સાથે કરો: સ્વસ્થ અને ઊર્જાવાન રહેવા માટે સવારે શું ખાવું અને શું નહીં?
-
આપણો આખો દિવસ કેવો પસાર થશે તેનો મોટો આધાર સવારની દિનચર્યા અને નાસ્તા પર હોય છે.
-
અનિયમિત આહાર શૈલીના કારણે ડાયાબિટીસ, વજન વધવું અને પાચનની સમસ્યાઓ ઘર ઘરની બની ગઈ છે.
-
સવારે નાસ્તો ન કરવાથી શરીરમાં આળસ, સુસ્તી અને શુગર લેવલની અસમતુલા સર્જાય છે.
સિટી ન્યુઝ @ હેલ્થ
તમારો આખો દિવસ કેવો પસાર થશે તેનો મુખ્ય આધાર તમે સવારે કયા કાર્યો કરો છો અને શું ખાઓ છો તેના પર રહેલો છે. આજના વ્યસ્ત યુગમાં ઘણા લોકોને એ વાતનું હંમેશા કન્ફ્યુઝન રહેતું હોય છે કે ખાલી પેટે શું ખાવું અને સવારના નાસ્તામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો. ખરાબ આહાર શૈલીના કારણે આજે ડાયાબિટીસ, વધારે વજન, પાચનની સમસ્યા અને બેડ કોલેસ્ટ્રોલ જેવી તકલીફો સામાન્ય બની ગઈ છે. જો સવારે સમયસર અને પૌષ્ટિક નાસ્તો કરવામાં ન આવે તો મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને શરીરની એનર્જી ઘટી જાય છે.
સવારનો નાસ્તો હંમેશા સંતુલિત હોવો જોઈએ જેમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી કાર્બ્સનું યોગ્ય બેલેન્સ જળવાયેલું હોય. હેલ્ધી નાસ્તા તરીકે તમે ઓવરનાઈટ સોક્ડ ઓટ્સ, બોઈલ્ડ એગ્સ, જુવાર કે બાજરાના રોટલા, શાકભાજીના સ્ટફિંગવાળા પરોઠા, તાજા ફળો, વેજીટેબલ ઉપમા, પોહા, બેસન કે મગની દાળના ચીલા, તેમજ ઈડલી-ઢોસા જેવી પૌષ્ટિક વાનગીઓ પસંદ કરી શકો છો. આ પ્રકારનો નાસ્તો કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ખાવાની ક્રેવિંગ થતી નથી.
આ ઉપરાંત, નાસ્તા પછી દિવસ દરમિયાન લાગતી નાની-મોટી ભૂખ માટે પણ હેલ્ધી સ્નેકિંગની આદત રાખવી જરૂરી છે. હેલ્ધી સ્નેકિંગમાં દાળિયા, ડ્રાયફ્રુટ્સ, સફરજન, કેળા અને પપૈયા જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ કરી શકાય છે. યોગ્ય સમયે અને યોગ્ય ખોરાક લેવાથી શરીર આખો દિવસ તાજગીસભર અને રોગમુક્ત રહે છે.
ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ટિપ્સ
દિવસની શરૂઆત હંમેશા હાઇડ્રેશન અને પૌષ્ટિક નાસ્તા સાથે કરો, જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય.