Loading Please Wait !!!
સાંઢિયા પૂલના સાઈનબોર્ડે દિશા ભૂલાવી વાહન ચાલકો ગોટે ચઢ્યા

સ્માર્ટ સિટીની મોટી ભૂલ

બહારગામથી આવતા લોકો સાઈન બોર્ડને આધારે જ ચાલતા હોય છે ભૂલ ક્યાં છે?

રેલનગર બાજુ રેલવે સ્ટેશન ત્યાં જવાય પણ લોકો ભટકાશે, સહેલું સાંઢિયા પૂલ ઉપર ચઢવું નીચે બોર્ડ છે તે રેલવે સ્ટેશન સાંઢિયા પૂલ ઉપરથી દેખાડવામાં આવ્યું.

બસ સ્ટેશન  સાઈન બોર્ડમાં બસ સ્ટેશનનો એરો. શિતલ પાર્ક રોડ થઈ જવાનું દર્શાવ્યું છે વાહન ચાલકોને કેટલું ફરવું પડે.

સિટી ન્યૂઝ | રાજકોટ

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા રાજકોટમાં નવા બનેલા સાંઢિયા પૂલ પર લગાવવામાં આવેલા દિશાસૂચક સાઈનબોર્ડને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલ પર લગાવેલા સ્માર્ટ સાઈનબોર્ડમાં ખોટી દર્શાવવામાં આવતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. માહિતી મુજબ, જામનગર, મોરબી અને અમદાવાદ તરફથી આવનાર લોકો માટે આ પુલ મુખ્ય માર્ગ છે, પરંતુ અહીં લગાવેલા બોર્ડ સાચો રસ્તો બતાવવાના બદલે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ત્રિકોણબાગ જેવા સ્થળોની દિશા ખોટી દર્શાવતા લોકોને લાંબા ચક્કર મારવા પડી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર સિવિલ હોસ્પિટલ અને કુવાડવા રોડની દિશા જ સાચી છે, જ્યારે બાકીના માર્ગદર્શન ખોટા છે. પરિણામે ૩.૬ કિલોમીટરનું અંતર વધીને લગભગ ૯ કિલોમીટર સુધી થઈ રહ્યું છે, જેના કારણે સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો છે. સ્થળ પર પહોંચેલી મીડિયા ટીમે ટ્રાફિક પોલીસ અને સ્થાનિકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે દરરોજ ૫૦ થી ૧૦૦ જેટલા વાહનચાલકો રસ્તો પૂછવા માટે અટકી રહ્યા છે. વેપારીઓએ પણ આ સમસ્યાને લઈને રોષ વ્યક્ત કર્યો છે. આ મામલે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કરોડોના પ્રોજેક્ટમાં આવી પ્રાથમિક ભૂલ અસ્વીકાર્ય છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે નજર મનપા તંત્ર પર છે કે આ ભૂલમાં તાત્કાલિક સુધારો કરવામાં આવશે કે નહીં.

સાંઢિયા પુલ ક્રોસ કર્યા પછીનું સાચું સાઈન બોર્ડ

(તસવીરમાં દર્શાવેલ સાઈન બોર્ડ)