Loading Please Wait !!!
અઠવાડિયામાં કેટલીવાર વાળમાં તેલ લગાવવું જોઈએ?

 

  • વાળ અને સ્કેલ્પને પૂરતું પોષણ પૂરું પાડવા માટે માથામાં નિયમિત રીતે તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે.

  • ડ્રાય અને નિર્જીવ વાળ ધરાવતા લોકોએ અઠવાડિયામાં 3 વાર જ્યારે ઓઈલી સ્કેલ્પવાળાએ 1થી 2 વાર તેલ લગાવવું.

  • વાળ ધોવાના 1 થી 2 કલાક અગાઉ તેલ લગાવવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે જેથી મૂળ સુધી પોષણ મળે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, તા. ૨૫ શું તમારા વાળ પણ સતત ખરી રહ્યા છે કે પછી નાની ઉંમરે જ વાળ સફેદ થઈ ગયા છે? શું તમારા મનમાં પણ એ સવાલો છે કે અઠવાડિયામાં કેટલા દિવસ માથાના વાળમાં તેલ લગાવવું જોઈએ? માથાના વાળમાં તેલ સવારે લગાવવું જોઈએ કે રાત્રે? માથાના વાળમાં કયું તેલ લગાવવું જોઈએ અને તેલ કેવી રીતે લગાવવું જોઈએ? તો આજે આપણે આ તમામ સવાલોના જવાબ ડોક્ટર પાસેથી જાણીશું.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, વાળ અને સ્કેલ્પને પોષણ આપવા માટે તેલ લગાવવું એ એક સારી આદત છે. તેલ લગાવવાથી માથાની ત્વચાને ભેજ મળે છે, રક્તપરિભ્રમણ સારું થાય છે અને વાળના મૂળ સુધી પોષણ પહોંચે છે. જોકે, માત્ર તેલ લગાવવાથી જ વાળ ખરવા કે સફેદ થવાનું સંપૂર્ણપણે બંધ નહીં થઈ જાય; આ માટે યોગ્ય ડાયટ, સારી ઊંઘ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી પણ એટલી જ જરૂરી છે.

ડોક્ટરના મતે, અઠવાડિયામાં ૨ થી ૩ વાર વાળમાં તેલ લગાવવું જોઈએ. જો તમારા વાળ સૂકા અને નિર્જીવ હોય તો અઠવાડિયામાં ૩ વાર તેલ લગાવી શકાય, જ્યારે ઓઈલી સ્કેલ્પવાળા લોકોએ અઠવાડિયામાં ૧ કે ૨ વાર જ તેલ લગાવવું જોઈએ. વાળ ધોતા પહેલાં ૧ થી ૨ કલાક અગાઉ તેલ લગાવવું સૌથી સારું માનવામાં આવે છે, કારણ કે આખી રાત તેલ લગાવીને સૂઈ રહેવાથી કેટલાક લોકોને સ્કેલ્પ સંબંધિત તકલીફો થઈ શકે છે.

વાળની જરૂરિયાત મુજબ નારિયેળ તેલ, તલનું તેલ, આમળાનું તેલ અને ભૃંગરાજ તેલ ખૂબ જ સારા માનવામાં આવે છે, જે વાળની ચમક અને મજબૂતી જાળવવામાં મદદ કરે છે.

સ્વસ્થ અને મજબૂત વાળ માટે યોગ્ય હેર કેર રૂટિન

વાળની યોગ્ય સંભાળ રાખવા માટે સમયસર તેલ લગાવવું અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે, જેથી વાળ લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકદાર રહી શકે.