Loading Please Wait !!!
આંસુ ગેસના સંપર્કમાં આવ્યા પછી શું કરવું? જાણો શરીર પર તેની અસરો અને બચાવના ઉપાયો

  • ભીડ નિયંત્રણ માટે વપરાતા આ રાસાયણિક પદાર્થથી આંખ, ત્વચા અને શ્વાસોચ્છવાસ પર થાય છે ગંભીર અસર.
  • અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે અત્યંત જોખમી, જાણો પ્રાથમિક સારવારની સાચી રીત.
  • આંખ ચોળવાનું ટાળો અને તરત જ પાણીથી સાફ કરો, જરૂર પડ્યે ડોક્ટરનો સંપર્ક કરો.

સિટી ન્યુઝ @ હેલ્થ 

કોઈપણ જગ્યાએ ભીડ એકત્ર થઈ હોય ત્યારે લોકોને વિખેરવા માટે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આંસુ ગેસનો પ્રયોગ કરવામાં આવે છે. મોટાભાગના લોકો એવું માને છે કે આંસુ ગેસના સંપર્કમાં આવવાથી માત્ર આંખમાંથી પાણી નીકળવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આનાથી શરીર પર અન્ય ઘણી ગંભીર તકલીફો પણ થાય છે. આંસુ ગેસ હકીકતમાં કોઈ સામાન્ય ગેસ નથી હોતો, પરંતુ તે એક રાસાયણિક યૌગિક છે જેને ધાતુના કન્ટેનરમાં પેક કરીને હવામાં ફેલાવવામાં આવે છે.

આંસુ ગેસના સંપર્કમાં આવવાની સાથે જ તેની અસર દેખાવા લાગે છે. સૌથી પહેલાં આંખમાં તીવ્ર બળતરા થાય છે અને આંખ ખુલ્લી રાખવામાં પણ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી, ગળામાં બળતરા થવી તેમજ ત્વચા પર ખંજવાળ કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ થોડી મિનિટોમાં નોર્મલ થઈ જાય છે, પરંતુ અસ્થમા, સીઓપીડી કે હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ તેમજ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ જોખમી સાબિત થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ અજાણતા કે વિરોધ પ્રદર્શન દરમિયાન આંસુ ગેસના સંપર્કમાં આવી જાય, તો ગભરાયા વગર કેટલાક તાત્કાલિક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તે પ્રભાવિત જગ્યાએથી તુરંત દૂર ખસી જવું. આ પછી આંખોને 1 થી 2 મિનિટ સુધી સ્વચ્છ પાણીથી સતત ધોતી રહેવી. આંખમાં ગમે તેટલી બળતરા થતી હોય પરંતુ તેને ક્યારેય હાથથી ચોળવી નહીં. જો તે સમયે કોન્ટેક્ટ લેન્સ પહેરેલા હોય તો તુરંત જ તેને કાઢી નાખવા અને ભવિષ્યમાં તે લેન્સનો ઉપયોગ ન કરવો.

આંસુ ગેસના પ્રભાવથી કપડાં પર પણ રાસાયણિક કણો ચોંટી જતાં હોવાથી સાવધાનીપૂર્વક કપડાં બદલી નાખવા જોઈએ. સામાન્ય રીતે થોડીવારમાં રાહત મળી જતી હોય છે, પરંતુ જો 10 થી 15 મિનિટ પછી પણ સ્થિતિ સામાન્ય ન થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ વધે તો તુરંત જ નજીકના ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવો હિતાવહ છે.

 

આંસુ ગેસના સંપર્કમાં આવ્યા પછી શું કાળજી રાખવી?

આંસુ ગેસના પ્રભાવથી બચવા માટે ત્વરિત પગલાં લેવા અનિવાર્ય છે. પ્રભાવિત વિસ્તારથી દૂર જઈને આંખોને સાફ પાણીથી ધોવી, આંખ ચોળવાનું ટાળવું અને લેન્સ પહેરેલા હોય તો તેને ફેંકી દેવા. સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ અને સ્થિતિ કાબૂ બહાર જણાય તો તબીબી સહાય લેવી જરૂરી છે.