જામનગરમાં એસ્ટેટ શાખાનો સપાટો: 3 દિવસમાં 10 રેસ્ટોરન્ટ અને ઢાબા સીલ
- ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ વગર ચાલતા એકમો સામે લાલઆંખ; આજે વધુ એક રેસ્ટોરન્ટને તાળા
- હરીયા કોલેજ પાસેની રીધ્ધી-સિધ્ધી રેસ્ટોરન્ટ સીલ; ફાયર સિસ્ટમ બંધ હોવાથી પણ લેવાયા કડક પગલાં
- નિયમોનું ઉલ્લંઘન કરનારા હોટલ સંચાલકોમાં ફફડાટ; એસ્ટેટ શાખાની ટીમે શરૂ કરી ઝુંબેશ
સિટી ન્યુઝ @ જામનગર : જામનગર શહેરમાં ફાયર એનઓસી (NOC) અને બીયુ સર્ટીફીકેટ ન મેળવનાર રેસ્ટોરન્ટો અને ઢાબાઓ વિરુદ્ધ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. આજે સતત ત્રીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખતા વધુ એક રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં કુલ સીલ કરાયેલા એકમોની સંખ્યા 10 પર પહોંચી છે, જ્યારે અન્ય એક રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને શહેરની ભાગોળે આવેલા હાઈવે પરના એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 24 થી વધુ રેસ્ટોરન્ટ અને ઢાબાઓની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં મુખ્યત્વે ઠેબા ચોકડી, લાલપુર બાયપાસ, ખંભાળીયા બાયપાસ, સમર્પણ સર્કલ અને હરીયા કોલેજ રોડ પરના હોટલ-રેસ્ટોરન્ટોને આવરી લેવામાં આવ્યા હતા.
આજની કાર્યવાહીમાં હરીયા કોલેજ પાસે આવેલી 'રીધ્ધી-સિધ્ધી' રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી ન હોવાનું જણાતા તેને ત્વકાલિક સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, એક અન્ય રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ હોવા છતાં તે ચાલુ હાલતમાં ન હોવાથી એસ્ટેટ શાખા દ્વારા તેની સામે પણ સીલિંગના કડક પગલાં લેવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નોંધનીય છે કે, કાર્યવાહીના પ્રથમ દિવસે 6 અને બીજા દિવસે 3 રેસ્ટોરન્ટ અને ઢાબાઓ સીલ કરવામાં આવ્યા હતા. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને જે એકમો પાસે બીયુ સર્ટીફીકેટ અથવા ફાયર એનઓસી નથી તેમને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જનતાની સુરક્ષાને સર્વોપરી રાખીને મહાનગરપાલિકા દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.