તત્કાલ ટિકિટથી માંડીને આઈટીઆર સુધી... આજથી દેશભરમાં બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો!
-
ઇંધણ અને ગેસના ભાવોમાં થતા ફેરફારોથી વ્યાપારી વર્ગને રાહત મળી છે.
-
ટેક્સ અને ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં થયેલા બદલાવો નાગરિકો માટે ઉપયોગી છે.
-
આર્થિક વ્યવહારો અને દૈનિક જીવનને અસર કરતી નવી માર્ગદર્શિકાઓ જારી કરાઈ છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, આજથી એક તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ રૂા. ૨૦૯ સુધી ઘટી ગયા છે, તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના નવા દર પણ જાહેર થઈ ગયા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં નાણાકીય, ટેક્સ, રેલવે બુકિંગ અને રોજિંદા જીવન સાથે જોડાયેલા કુલ આઠ મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા અને માસિક બજેટ પર પડવાની છે. આ ફેરફારોમાં તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયાથી લઈને આઈટીઆર (ITR) Filing અને ઇંધણના ભાવોનો સમાવેશ થાય છે.
તત્કાલ ટિકિટ બુકિંગની નવી ટોકન સિસ્ટમ લાગું
આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે નવી ટોકન સિસ્ટમ લાગું થઈ ગઈ છે. હવે મુસાફરોને પહેલાં ટોકન મળશે અને તે જ ક્રમમાં ટિકિટ બુક કરવામાં આવશે. આનાથી લાંબી લાઈનો અને અવ્યવસ્થા ઘટવાની આશા છે.
ITR મોડેથી ભરવા પર લાગશે દંડ
31 જુલાઈની સમયમર્યાદા પૂરી થયા પછી હવે ITR-1 અને ITR-2 મોડેથી ફાઈલ કરનારા પાત્ર ટેક્સપેયર્સે લેટ ફી ચૂકવવી પડી શકે છે. જ્યારે, ITR-3 અને ITR-4 ફાઈલ કરનારા એવા ટેક્સપેયર્સ, જેમના ખાતાઓનું ઓડિટ જરૂરી નથી, તેમના માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ 5,000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે.
આધાર આધારિત CKYC 2.0 લાગું
આજથી બેંક, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસે CKYC 2.0 લાગું કરવાનું શરૂ કરી દીધું છે. આનાથી ગ્રાહકોની ડિજિટલ સંમતિના આધારે KYC માહિતી સીધી સેન્ટ્રલ રજિસ્ટ્રીમાંથી મેળવી શકાશે અને વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂરિયાત ઘટશે.
સ્પીડ પોસ્ટના નવા નિયમો અને નવા દર લાગું
આજથી સ્પીડ પોસ્ટની નવી કેટેગરી અને નવા ચાર્જ લાગું થઈ ગયા છે. આધાર, PAN, પાસબુક, ચેકબુક અને અન્ય સરકારી દસ્તાવેજો હવે 'ડોક્યુમેન્ટ્સ' કેટેગરીમાં આવશે. જ્યારે બાકીનો સામાન પાર્સલ કેટેગરીમાં રહેશે.
ઓગસ્ટમાં 14 દિવસ બંધ રહેશે બેંકો
ઓગસ્ટ મહિનામાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને વિવિધ રાજ્યોના તહેવારો મળીને કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. જોકે, રજાઓ તમામ રાજ્યોમાં એકસરખી નહીં હોય, તેથી તમારા શહેરની RBI હોલિડે લિસ્ટ જરૂર જુઓ.
ખાંડ પર નવી સ્ટોક લિમિટ લાગું
આજથી ખાંડના ડીલરો પર નવી સ્ટોક લિમિટ લાગું થઈ ગઈ છે. હવે કોઈ પણ ડીલર 30 દિવસથી વધુ અને 4,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. આ નિયમ 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.
દિલ્હીમાં મફત બસ મુસાફરી માટે સ્માર્ટ કાર્ડ
દિલ્હીમાં મહિલાઓ માટે આજથી મફત બસ મુસાફરીનો લાભ લેવા માટે 'પિંક સહેલી સ્માર્ટ કાર્ડ' ફરજિયાત થઈ ગયું છે. બસમાં કાર્ડ ટેપ કર્યા પછી જ ફ્રી ટિકિટ આપવામાં આવશે.
સેબીનો નવો બાયબેક નિયમ લાગું
આજથી સેબીનો નવો બાયબેક નિયમ પણ અસરકારક બન્યો છે. હવે લિસ્ટેડ કંપનીઓ પોતાની કુલ પેડ-અપ કેપિટલનો મહત્તમ 15 ટકા હિસ્સો જ બાયબેક કરી શકશે. સાથે જ આ પૂરી પ્રક્રિયા 66 વર્કિંગ ડેઝની અંદર પૂરી કરવાની રહેશે. નવા નિયમનો હેતુ પારદર્શિતા વધારવાનો અને રોકાણકારોના હિતોનું સારું રક્ષણ કરવાનો છે.