Loading Please Wait !!!
અલ્ઝાઈમર અને અનિદ્રાના દર્દીઓ માટે લાઈટ થેરાપી બની વરદાન

  • શરીરની આંતરિક ઘડિયાળને રીસેટ કરી મૂડ અને ઊંઘમાં સુધારો લાવે છે આ ટેકનિક
  • કુદરતી પ્રકાશ જેવી અસર પેદા કરી માનસિક સ્વાસ્થ્યમાં કરે છે મોટો બદલાવ
  • અનિદ્રા અને અલ્ઝાઈમરના દર્દીઓમાં લક્ષણો ઘટાડવામાં નોંધપાત્ર સફળતા

સિટી ન્યુઝ @ રાજકોટ

આજના સમયમાં ડિપ્રેશન અને ઊંઘને લગતી સમસ્યાઓ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની છે. અનિદ્રા, સતત થાક અને ઉદાસી જેવી તકલીફોના ઈલાજ માટે 'લાઈટ થેરાપી' એક અસરકારક આધુનિક ટેકનિક તરીકે ઉભરી આવી છે. આ પદ્ધતિમાં વ્યક્તિને ચોક્કસ પ્રકારના કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં નિયંત્રિત સમય સુધી રાખવામાં આવે છે, જે કુદરતી દિવસના પ્રકાશ જેવી જ અસર કરે છે. ખાસ કરીને સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર (SAD) અને શરીરની આંતરિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન રિધમ બગડવાથી થતી સમસ્યાઓમાં આ થેરાપી અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણું શરીર પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. લાઈટ થેરાપી શરીરમાં મેલાટોનિન અને સેરોટોનિન જેવા હોર્મોન્સના ઉત્પાદનને સંતુલિત કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિપોર્ટ મુજબ, સવારના પ્રકાશનો સંપર્ક મગજને જાગૃત અને સક્રિય થવાનો સંકેત આપે છે. પૂરતો પ્રકાશ ન મળવાને કારણે હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેની સીધી અસર ઊંઘની ગુણવત્તા અને મૂડ પર પડે છે. લાઈટ થેરાપી દ્વારા શરીરની આંતરિક ઘડિયાળને ફરીથી સેટ કરી શકાય છે, જેનાથી ઊંઘ-જાગવાના ચક્રમાં સુધારો આવે છે.

'સાયન્સ ડાયરેક્ટ' માં પ્રકાશિત એક તાજેતરના સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે, લાઈટ થેરાપી અલ્ઝાઈમરના દર્દીઓ અને ઇન્સોમ્નિયાથી પીડાતા લોકો માટે ખૂબ જ લાભદાયી છે. તે ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં અને ઊંઘ માટે લાગતા સમયને ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો હવામાનમાં ફેરફારને કારણે માનસિક તણાવ અનુભવે છે, તેમના માટે પણ લાઈટ થેરાપી એક આશાનું કિરણ બની છે. આ થેરાપી શરીરના ઉર્જા સ્તરને જાળવી રાખવા માટે એક નવીન અને અસરકારક ઉપાય પૂરો પાડે છે.

લાઈટ થેરાપીનું મહત્વ

થેરાપીની કાર્યપદ્ધતિ અને લાભ લાઈટ થેરાપી ખાસ 'લાઈટ થેરાપી બોક્સ' દ્વારા આપવામાં આવે છે જે કુદરતી સૂર્યપ્રકાશની અસર પેદા કરે છે. આ પદ્ધતિ મુખ્યત્વે શરીરના મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન્સને સંતુલિત કરી મૂડ સારો રાખવામાં અને ઊંઘમાં સુધારો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને અલ્ઝાઈમર અને અનિદ્રા જેવી સમસ્યાઓમાં આ થેરાપી ખૂબ જ સફળ રહી છે. શરીરની આંતરિક ઘડિયાળને યોગ્ય રીતે સેટ કરવાથી વ્યક્તિની કાર્યક્ષમતા અને માનસિક શાંતિ બંનેમાં મોટો વધારો જોવા મળે છે.