ધારાસભ્યના ઈશારે ભાજપના 2 કાર્યકરો પર હિચકારો હુમલો
- બંગાળ ચૂંટણીમાં નેતાની પોલ ખોલતા ધારાસભ્ય સંજય કોરડીયા પર આક્ષેપ
- તળાવ દરવાજા પાસે બાઈક અથડાવી પાઇપ અને ધોકા વડે હિચકારો હુમલો
- બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર અને કાર્યકર તુષાર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં
સિટી ન્યૂઝ@જૂનાગઢ : જૂનાગઢ શહેરના ધમધમતા તળાવ દરવાજા વિસ્તાર નજીક ભાજપના જ 2 સક્રિય કાર્યકરો પર અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે હિચકારો હુમલો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને ભાજપના કાર્યકર તુષાર સોજીત્રા પર આયોજનબદ્ધ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પહેલા બાઈક અથડાવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ધોકા તેમજ લોખંડના પાઇપ વડે ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ જીવલેણ હુમલામાં નરેન્દ્ર ઓડેદરાને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે તુષાર સોજીત્રાને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલા પાછળ ખુદ ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડીયા અને નગરસેવક સંજય મણવરનો હાથ હોવાનો ગંભીર આરોપ ઇજાગ્રસ્તોએ લગાવતા ખળભળાટ મચી ગયો છે.આ સમગ્ર વિવાદ અને હુમલાના મૂળમાં બંગાળ વિધાનસભાની ચૂંટણી રહેલી છે.
બંગાળની ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડીયાની આગેવાનીમાં 20 લોકો પ્રચાર માટે ગયા હતા. એવો ગંભીર આક્ષેપ છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસના ત્રાસથી ધારાસભ્ય પોતાનો ફોન બંધ કરીને કોઈ સલામત જગ્યાએ ભાગી ગયા હતા અને કાર્યકરો જીવના જોખમે ત્યાં ફસાઈ ગયા હતા. નેતાની આ હરકતથી કાર્યકરોમાં ભારે નારાજગી હતી અને ધારાસભ્યની પોલ ખોલતી આ સમગ્ર ઘટના નરેન્દ્ર અને તુષાર દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી હતી.