Loading Please Wait !!!
જાલીડા હાઈવે પર ઈકોની અડફેટે બાઈક સવાર દંપતી ઘાયલ

સિટી ન્યૂઝ@વાંકાનેર

હાઈવે પર બેફામ દોડતા વાહનો નિર્દોષ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. વાંકાનેરના જાલીડા ગામના પાટિયા પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક ડબલ સવારી બાઈકને ઈકો ગાડીના ચાલકે જોરદાર અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ભયાનક બાઈક સવાર દંપતીને નાની-મોટી અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના ટોલ ગામે રહેતા ૪૨ વર્ષીય ફૈઝુરઅલી મામદ ગઢવાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઈકો ગાડી (GJ-03-L-૧૦૭૫) ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફૈઝુરઅલીના મોટાભાઈ ખિઝરમુદ્દીન અને ભાભી નસીમ પોતાનું મોટરસાયકલ (GJ-36-Q-૨૯૮૧) લઈને ભલગામ મુકામે એક પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. બાઈક જ્યારે જાલીડા પાટિયા પાસે પહોંચ્યું ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો ગાડીના ચાલકે તેમના બાઈકને પાછળથી ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ખિઝરમુદ્દીનને ડાબા પગના પંજામાં ગંભીર ફ્રેક્ચર થયું હતું તેમજ કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના પત્ની નસીમને પણ પગમાં તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાંકાનેર પોલીસે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ઈકો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.