Loading Please Wait !!!
ફિટનેસનો પાવર: સંજય સોલંકીએ દોડી 6 ફુલ મેરેથોન

=> વર્ષ 2012માં માત્ર 400 મીટરથી શરૂઆત કરી આજે દેશભરમાં રાજકોટનું નામ રોશન કરતા દોડવીર સંજય સોલંકી: 20થી વધુ હાફ મેરેથોન પૂર્ણ કરી
=> સંગીત અને રનિંગનો અનોખો સંગમ: રાજકોટના રનરનો નવો રેકોર્ડ
=> રાજકોટના સંજય સોલંકીની સિદ્ધિ: મુંબઈ-અમદાવાદ મેરેથોનમાં કુલ રન પૂર્ણ

સિટી ન્યૂઝ@રાજકોટ

'કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી'' - શૂન્ય પાલનપુરીની ગઝલની પંક્તિને રાજકોટ પથિકાશ્રમના મેનેજર સંજયભાઈ સોલંકી જાણે સાર્થક કરી રહ્યા છે. વર્ષ ૧૯૮૧માં જન્મેલા સંજય સોલંકીએ ૩૧ વર્ષની વયે દોડવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તે ૦૬ જેટલી ફુલ મેરેથોન (૪૨.૧૯૫ કિ.મી.), ૨૦થી વધુ હાફ મેરેથોન (૨૧.૦૯૭૫ કિ.મી.) ઉપરાંત કુલ મેરેથોન જેટલા કિલોમીટરની અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે.૪૫ વર્ષીય સંજયભાઈ સોલંકી ફિટનેસની 'મેરેથોન મિસાલ' સમાન છે. રનિંગ ક્યારથી શરૂ કર્યું? એ વિશે સંજયભાઈ સોલંકી જણાવે છે કે, ફિટનેસ માટે કંઈક કરવું જોઈએ એવું સતત થતું રહેતું. રનિંગ વધારે ગમતું એટલે વર્ષ ૨૦૧૨માં દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ૪૦૦ મીટર સુધી દોડી શકાતું. પછી ધીમે ધીમે અભ્યાસ વધારતો ગયો. વર્ષના અંતે ૮-૯ કિ.મી. સુધી પહોંચવું એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને એ હાંસલ કર્યો. પછી હાફ મેરેથોન દોડવાનો લક્ષ્ય રાખ્યો અને વર્ષ ૨૦૧૬માં રાજકોટમાં પ્રથમ હાફ મેરેથોન દોડ્યો હતો. પોતાની સફળતાઓ વિશે વાત કરતા તેમણે ઉત્સાહ સાથે કહ્યું કે, વર્ષ ૨૦૧૭માં રાજકોટમાં પ્રથમ કુલ મેરેથોન દોડ્યો. એ સમયે ૩૭ વર્ષની વય હતી. એ પછી વિવિધ દોડની સ્પર્ધાઓમાં ભાગ લેતો રહ્યો. અત્યાર સુધીમાં ૦૬ જેટલી ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. '

જેમાં વર્ષ ૨૦૧૭માં રાજકોટ મેરેથોન, વર્ષ ૨૦૨૪માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ ૨૦૨૫માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ ૨૦૨૫માં ટાટા મુંબઈ મેરેથોન તથા વર્ષ ૨૦૨૬માં ટાટા મુંબઈ મેરેથોન સહિતનો સમાવેશ થાય છે.દોડમાં પોતાના જ બેસ્ટ રેકોર્ડ અંગે સંજયભાઈ કહે છે કે, વર્ષ નવેમ્બર-૨૦૨૫માં અદાણી અમદાવાદ મેરેથોન ૪ કલાક ૪૭ મિનિટમાં પૂર્ણ કરીને મારા જ અગાઉના રેકોર્ડ મેં તોડ્યા હતા. જ્યારે પાંચેક વર્ષ અગાઉ વડોદરામાં હાફ મેરેથોન ૧ કલાક ૫૭ મિનિટ જેટલા સમયમાં પૂર્ણ કરી હતી. સંજયભાઈના જણાવ્યા પ્રમાણે, તેઓ અત્યાર સુધીમાં ૨૦થી વધુ હાફ મેરેથોન દેશના વિવિધ શહેરોમાં દોડી ચૂક્યા છે. અત્યાર પૂરું સંજયભાઈ રોજ સવારે એકાદ કલાકમાં ૧૦ કિ.મી. જેટલું દોડે છે અને રવિવારે રજાના દિવસે એક્સ્ટ્રા રન કરે છે.સંજયભાઈ સોલંકી પોતે સર્કિટ હાઉસની ફરજમાં જોડાયા એ અગાઉ મ્યુઝિક ટીચર હતા. તેઓ તબલાં વિશારદ છે અને અમદાવાદથી ગિટાર વગાડવાનું પણ શીખ્યા છે. ફુરસતના સમયમાં રાત્રે તેઓ ગિટારની મધુર ધૂણો છેડતાં સંગીતના આનંદમાં ડૂબી જાય છે. સંજયભાઈ કહે છે કે, સંગીતથી મન એકદમ આનંદિત થઈ જાય છે. કામનો થાક અને સ્ટ્રેસ દૂર થઈ જાય છે.