રાજકોટ : પોક્સો કેસમાં ચાર્જશીટ પહેલા આરોપીના જામીન મંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં આરોપીને ચાર્જશીટ રજૂ થાય તે પહેલાં જ શરતી જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ ફરમાવ્યો છે. બચાવ પક્ષની ધારદાર દલીલો અને સમજૂતી કરારના પુરાવાઓને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. પોલીસની વિગતો મુજબ, વિંછીયા પોલીસ મથકમાં ગત ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(M) અને પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે આરોપી મયુર કાન્તિ તડવીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો.
કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે સચોટ દલીલો કરી હતી કે, કથિત બનાવ ૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બન્યો હતો, પરંતુ તે સમયે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. વિલંબ બાદ જ્યારે ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ FIR નોંધાઈ ત્યારે ભોગ બનનાર સગીરાની ઉંમર ૧૭ વર્ષ અને ૧૧ માસ હતી. વધુમાં કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું કે, ભોગ બનનાર સગીરા અને આરોપી મયુર બંને વચ્ચે સમજૂતી કરાર પણ થયો હતો અને તેઓ પતિ-પત્ની તરીકે જીવન વિતાવતા હતા.
બચાવ પક્ષની આ દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે ચાર્જશીટ રજૂ થાય તે પૂર્વે જ આરોપી મયુર કાન્તિ તડવીને કડક શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં આરોપીના બચાવ અર્થે ‘પાર્થ લો ફર્મ’ ના યુવા એડવોકેટ ગૌરાંગ રાઠોડ, શૈલેષ વકાતર, કરશન ભરવાડ (મીર), સિરાજ ઘાંચી, રીના રાજપુત અને કોમલ ચૌહાણ રોકાયા હતા. આસિસ્ટન્ટ તરીકે ટ્વિન્કલ રાઠોડ અને ધ્રુવી દલસાણિયાએ પણ કામગીરી સંભાળી હતી.