Loading Please Wait !!!
વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શ્રમિકે પોલીસમાં નોંધાવી ફરિયાદ

» મજૂરોના પગાર માટે લીધેલા રૂપિયામાં 3 શખ્સોએ છરી બતાવી બમણી રકમ પડાવી

» એક શખ્સે બાળકોને મારવાની ધમકી આપી નવું બાઈક બળજબરીથી આંચકી લીધું

» પત્નીના 3.૫ તોલા દાગીના હડપ કરનાર સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

સિટી ન્યૂઝ@વાંકાનેર

વાંકાનેર પંથકમાં વ્યાજખોરીનું દૂષણ ફરી માથું ઊંચકી રહ્યું છે. આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી ત્રણ વ્યાજખોરોએ એક નિર્દોષ શ્રમિકની જિંદગી નરક બનાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. મજૂરોના પગાર અને બીમાર ભાઈની સારવાર માટે મજબૂરીમાં લીધેલા રૂપિયા વ્યાજના એવા અજગરભરડામાં ફેરવાઈ ગયા કે યુવાને પોતાની તમામ મૂડી ગુમાવ્યા બાદ પણ વ્યાજખોરોનો આતંક ઓછો થયો નથી. પઠાણી ઉઘરાણી અને મિલકતો પડાવી લેવાના આ ગંભીર ગુનામાં અંતે ૩ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા ૨૭ વર્ષીય પ્રવીણ ઉકેડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે અજય અબાસણીયા પાસેથી ૩૦ થી ૩૫ ટકાના ઊંચા વ્યાજે ૩ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે આરોપીએ વ્યાજ-પેનલ્ટી ગણી ૮ લાખની માંગણી કરી હતી. પ્રવીણ જ્યારે મૂળ રકમ લઈ લેવા આજીજી કરતો હતો, ત્યારે અજયે છરીના ઘોંસડા મારી દેવાની ધમકી આપીને ૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. માતબર રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં, તે વધુ ૩ લાખ માટે ઘર વેચી દેવા ધાક-ધમકીઓ આપતો હતો.

બીજા આરોપી બીજલ ઉર્ફે ભોજા ગીગોરા (રેહ. લાકડાધાર) એ ૧.૫૦ લાખના વ્યાજ સામે આશરે ૫ લાખ રૂપિયા વસૂલી લીધા હોવા છતાં વધુ ૧.૨૦ લાખ કઢાવવા માટે પ્રવીણ અને તેના નાના છોકરાઓને મારી નાખવાની ક્રૂર ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ બળજબરીથી ૯૮૧૯૧ રૂપિયાનું નવું બાઈક હમેશથી ખરીદ કરાવીને પડાવી લીધું હતું.

ત્રીજા આરોપી હિતેશ પટેલ (રેહ. મોરબી) એ કપટ નીતિ અપનાવીને પ્રવીણની પત્નીના બેંકમાં ગીરે પડેલા ૩.૫ તોલા સોનાના દાગીના છોડાવવા માટે વગર વ્યાજે ૩.૫૬ લાખનું ધિરાણ કર્યું હતું. પરંતુ દાગીના હાથમાં આવતા જ હિતેશે અસલી રંગ બતાવી ઊંચું વ્યાજ ગણીને કુલ ૮ લાખની માંગણી કરી સોનાના દાગીના પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ત્રણેય વ્યાજખોરોના પિશાચી ત્રાસથી કંટાળીને આખરે યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે ગુનો નોંધીને આ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કાયદેસરની તજવીજ શરૂ કરી છે.