વાંકાનેરમાં 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી માર્યો
- કણકોટના કોન્ફિડન્ટ પેટ્રોલિયમ પ્લાન્ટના ઇન્ચાર્જ અને ઓપરેટરનું કારસ્તાન
- વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ઉચાપતની ફરિયાદ દાખલ
- કંપનીની જાણ બહાર 92 ટન ગેસ સગેવગે કરી નાણાં ઓળવી ગયા
સિટી ન્યૂઝ@વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આવેલી કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેસ બોટલિંગ પ્લાન્ટમાં 'ઘરના જ ભૂવા અને ઘરના જ ડાકલા' જેવો ઘાટ સર્જાયો છે. જેમના શિરે પ્લાન્ટની સુરક્ષા અને સંચાલનની જવાબદારી હતી, તેવા જ બે મુખ્ય કર્મચારીઓએ દાનત બગાડીને કંપનીનો 1.52 કરોડ રૂપિયાનો એલપીજી ગેસ બારોબાર વેચી મારીને જંગી કૌભાંડ આચર્યું છે. કંપનીના ઓડિટમાં આ કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કણકોટ સ્થિત આ ગેસ બોટલિંગ પ્લાન્ટમાં ઇન્ચાર્જ તરીકે સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ અને ઓપરેટર તરીકે ઇલ્યાસ નૂરમામદ પરાસરા ફરજ બજાવતા હતા. વફાદારીના નામે મોટો વિશ્વાસઘાત કરતા આ બંને ભેજાબાજોએ ભેગા મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. તાજેતરમાં કંપની દ્વારા કરવામાં આવેલા ઇન્ટરનલ ઓડિટમાં ખળભળાટ મચાવતો ખુલાસો થયો છે કે આ બંને શખ્સોએ પ્લાન્ટમાંથી 92 ટન અને 656 કિલો ગેસનો મોટો જથ્થો કોઈને પણ ખબર ન પડે તે રીતે બારોબાર અન્યત્ર વેચી નાખ્યો હતો.
કંપનીના સત્તાવાર રેકોર્ડ મુજબ, બારોબાર વેચાયેલા આ ગેસના જથ્થાની કુલ બજાર કિંમત રૂપિયા 1,52,88,240 થવા જાય છે. આટલી મોટી રકમ કંપનીના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે આરોપીઓએ પોતાના અંગત મોજશોખ માટે વાપરી નાખી હોવાનું ખૂલ્યું છે. કરોડોની મત્તાની સરેઆમ લૂંટ ચલાવનાર પોતાના જ કર્મચારીઓનું આ કારસ્તાન જોઈને કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ગંભીર કૌભાંડ સામે આવતા નાગપુર સ્થિત કંપનીના પ્રતિનિધિ સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે સુરેશકુમાર અને ઇલ્યાસ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઉચાપતનો ગુનો નોંધી, હાલ ફરાર થઈ ગયેલા બંને શખ્સોને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.