મોરબીનો કાયાકલ્પ: મચ્છુ-2 કેનાલ બનશે શહેરનું નવું નજરાણું, 55 કરોડનો પ્રોજેક્ટ શરૂ
-
દલવાડી સર્કલથી બોરિયા પાટી સુધી કેનાલ થશે અન્ડરગ્રાઉન્ડ, ગંદકી અને ટ્રાફિકથી મળશે મુક્તિ
-
55.80 કરોડના ખર્ચે બોક્સ કન્ડ્યુટની કામગીરી તેજ, શહેરીજનોને મળશે ફરવાલાયક સ્થળ
- સોલાર પેનલ, ફાઉન્ટેન અને આધુનિક પાથ-વેથી સજ્જ થશે શહેરનો મધ્ય ભાગ
મોરબી | સિટી ન્યૂઝ : મોરબી શહેરના હૃદય સમાન ગણાતા મધ્ય ભાગમાંથી પસાર થતી મચ્છુ-2 કેનાલ આગામી વર્ષોમાં શહેરની ઓળખ બદલી નાખશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખુલ્લી કેનાલને 'બોક્સ કન્ડ્યુટ' કરી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. અંદાજે 55 કરોડ 80 લાખ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટની કામગીરી દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સિંચાઈ માટે મચ્છુ-2 ડેમની આ મુખ્ય કેનાલ મહત્વની છે, પરંતુ શહેરની મધ્યમાંથી પસાર થતી હોવાથી વર્ષના મોટાભાગના સમયમાં તે ગંદકી અને મચ્છરોનું ઘર બની રહેતી હતી. શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની ગંભીર સમસ્યા વચ્ચે આ ખાલી કેનાલ જોખમી સાબિત થતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાં દરખાસ્ત કરી હતી, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળતા હવે ખાનગી એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે થશે બ્યુટીફિકેશન? આ પ્રોજેક્ટ હેઠળ કેનાલના હાલના સાયફન સ્ટ્રક્ચરને યથાવત રાખી તેના પરના જૂના બાંધકામને હટાવી આધુનિક આર.સી.સી. બોક્સ કન્ડ્યુટ બનાવવામાં આવશે. કેનાલ કવર થઈ જવાથી ગંદકી અને દુર્ગંધની સમસ્યા જશે અને તેની ઉપરની જગ્યાનો સદુપયોગ કરી શકાશે. અહીં સુંદર વોકવે પાથ, પોકેટ ગાર્ડન, આકર્ષક ફાઉન્ટેન અને ઉર્જા બચત માટે સોલાર પેનલ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મેન્ટેનન્સ માટે દર 500 મીટરે ખાસ મેનહોલ પણ રાખવામાં આવશે.
દલવાડી સર્કલથી બોરિયા પાટી સુધીનો આ અન્ડરગ્રાઉન્ડ ભાગ પૂરો થયા બાદ મોરબીવાસીઓને એક ઉત્તમ પિકનિક પોઈન્ટ અને ફરવાલાયક સ્થળ મળશે. આ પ્રોજેક્ટથી માત્ર શહેરની સુંદરતામાં જ વધારો નહીં થાય, પરંતુ ટ્રાફિક અને પાર્કિંગની જે કાયમી સમસ્યા છે તેમાં પણ મોટી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે. સિંચાઈ વિભાગની એન.ઓ.સી. અને ટેકનિકલ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મશીનરીઓ દ્વારા કામગીરી ધમધમી રહી છે.
મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબી શહેર આધુનિક અને સુંદર સ્વરૂપ ધારણ કરશે. કેનાલમાં ભળતા ભૂગર્ભ લાઈનના ગંદા પાણીથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઊભું થશે. વર્ષોથી જોખમી ગણાતી આ કેનાલ હવે મોરબીના ગૌરવ સમાન સાબિત થશે. આગામી સમયમાં જ્યારે આ પ્રોજેક્ટ સાકાર થશે, ત્યારે તે મોરબીના શહેરી વિકાસના ઈતિહાસમાં એક નવું સીમાચિહ્ન બનશે.