સંકટમાં રાજકોટ, પરંતુ સાંસદ-ધારાસભ્ય દેખાતા નથી?
દાતાના પૈસા પાણીમાં ; દર્દીઓ માટેની રીક્ષા બની માલવાહક
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની રિક્સા-એમ્બ્યુલન્સ સુવિધા ઠપ્પ
-
ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને લાચાર મહિલાઓને નાછૂટકે પોતાના ટાંટિયા તોડીને, પગ ઘસડીને કે સગાઓના સહારે એક બિલ્ડિંગથી બીજું બિલ્ડિંગ સુધી ચાલીને જવા મજબૂર
- દાતાઓએ દર્દીઓ માટે 10 ઈ-રીક્ષાઓ હોસ્પિટલને આપી હતી જે ધૂળ ખાઈ રહી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાના કથિત વહીવટ અને દર્દીઓ પ્રત્યેની ઘોર સંવેદનહીનતાને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. આ સરકારી હોસ્પિટલમાં દરરોજ આજુબાજુના ગામ્ય વિસ્તારો અને શહેરમાંથી હજારો ગરીબ દર્દીઓ મફત અને યોગ્ય સારવાર મેળવવાની આશાએ આવે છે.
આવા લાચાર દર્દીઓની સુવિધામાં વધારો થાય તેમજ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં તેમને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવામાં તકલીફ ન પડે, તેવા શુભ આશયથી શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મોટા દાતાઓ દ્વારા લાખો રૂપિયાની કિંમતની રીક્ષાઓ હોસ્પિટલ તંત્રને દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે દાતાઓના પવિત્ર દાનની સરેઆમ અવગણના થઈ રહી છે અને કિંમતી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે.
રાજકોટ સિવિલમાં આવતા ગરીબ-અશક્ત દર્દીઓની વ્હારે આવીને બાલાજી વેફર્સ પ્રા.લી. જેવી નામિત સંસ્થાઓએ પોતાના સ્વખર્ચે ડીઝલ તેમજ બેટરીથી ચાલતી ૧૦ જેટલી ઈ-રિક્સાઓ હોસ્પિટલ મેનેજમેન્ટને સોંપી હતી. આ ભેટ આપવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસની અંદર જ દર્દીઓનું મફતમાં આંતરિક વહન થઈ શકે અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર માટે કલાકો સુધી રાહ ન જોવી પડે.
દાતાઓએ આ રીક્ષાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેથી ઓપરેશન થિયેટર, જનાના વોર્ડ, એક્સ-રે વિભાગ કે ઓપીડી વચ્ચે દર્દીઓની હેરફેર સરળ બને. પરંતુ સિવિલ હોસ્પિટલના વહીવટદારો માટે જાણે આ મફતમાં મળેલી સામગ્રીની કોઈ કિંમત જ ન હોય તેમ, આ તમામ આયોજન પર પાણી ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, હોસ્પિટલને દાનમાં મળેલી અંદાજે ૧૦ જેટલી રિક્ષાઓમાંથી વર્તમાન સમયમાં માંડ ૨ કે ૩ રિક્ષા હોસ્પિટલમાં ચાલતી જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે રિક્ષાઓ માંડ-માંડ કાર્યરત રાખવામાં આવી છે, તેનો લાભ પણ હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીઓને બિલકુલ મળતો નથી. તમામ કિંમતી રિક્ષાઓને સિવિલ હોસ્પિટલના પાર્કિંગના ખૂણામાં બિનવારસી હાલતમાં સડવા માટે છોડી દેવામાં આવ્યા છે.