રાજકોટના યુવાને 108 દિવસમાં પૂર્ણ કરી ચારધામ પદયાત્રા
કઠિન વાતાવરણ વચ્ચે પણ મનોબળ અડગ રહ્યું
-
» રમતવીર સંજય વાડોલિયાએ 108 દિવસમાં 4000 કિલોમીટર લાંબી ચારધામ પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી
-
» યુવાનોને પ્રેરણા આપવા રામનાથ મહાદેવથી યાત્રા શરૂ કરીને ઉત્તરાખંડના કપરા ચડાણ પાર કર્યા
-
» ચારધામ ઉપરાંત પંચ કેદાર, પંચ બદ્રી, પંચ પ્રયાગ અને પંચ તરણીના દર્શન કરી ધન્યતા અનુભવી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના વતની અને વ્યવસાયે સ્પોર્ટ્સમેન એવા સંજય વાડોલિયાએ પોતાની શારીરિક ક્ષમતા, અતૂટ આસ્થા અને અડગ મનોબળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે રાજકોટથી ઉત્તરાખંડના ચારધામ સુધીની આશરે ૪૦૦૦ કિલોમીટર લાંબી અને અત્યંત કઠિન પદયાત્રા માત્ર ૧૦૮ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સનાતન ધર્મના ગૌરવને વધારવાના અને આજના યુવાનોને પ્રેરણા આપવાના ઉમદા હેતુ સાથે તેમણે પોતાના હોમટાઉન રાજકોટના રામનાથ મહાદેવ મંદિરથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
પોતાની આ ઐતિહાસિક અને રોમાંચક સફર અંગે વાત કરતા સંજય વાડોલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે મહાદેવનો હુકમ આવે અને અંતરથી આધ્યાત્મિક સાદ સંભળાય, ત્યારે વ્યવસાય કે અન્ય કોઈ પણ સામાજિક જવાબદારીની ચિંતા કર્યા વગર પ્રભુના માર્ગે નીકળી પડવું જોઈએ. આ લાંબી યાત્રા દરમિયાન તેમણે માત્ર મુખ્ય ચારધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીના જ દર્શન કર્યા ન હતા, પરંતુ અતિ દુર્ગમ ગણાતા પંચ કેદાર, પંચ બદ્રી, પંચ પ્રયાગ અને પંચ તરણીના કપરા ચડાણ પાર કરીને ત્યાંના દર્શન કરી અનોખી ધન્યતા અનુભવી હતી.
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પદયાત્રા કરવી એ કોઈ સામાન્ય વાત નથી. ત્યાં પળવારમાં બદલાતા વાતાવરણ, કડકડતી ઠંડી, વરસાદ અને સતત ચાલવાના કારણે આવતા શારીરિક પડકારો વચ્ચે પણ સંજયનું મનોબળ ડગ્યું ન હતું. આ કપરા સમયમાં રસ્તામાં મળેલા અન્ય ગુજરાતી યાત્રિકો અને સ્થાનિક પહાડી લોકોના નિસ્વાર્થ સહયોગે તેમની યાત્રાને સરળ બનાવી હતી.
પરત ફરતાં મોર્નિંગ વોક ગ્રુપ દ્વારા સ્વાગત કરાયું
૧૦૮ દિવસની આ કઠોર પરંતુ ભક્તિમય સફર પૂર્ણ કરીને જ્યારે તેઓ ફરી રાજકોટના રામનાથ મહાદેવના આશીર્વાદ લેવા પરત ફર્યા, ત્યારે સ્થાનિક લોકો, પરિવારજનો અને મિત્રો દ્વારા ફૂલહારથી તેમનું ઉમળકાભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજકોટના મોર્નિંગ વોક ગ્રુપના મિત્રોએ તેમની આ સિદ્ધિને બિરદાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. આજના યુવાનોને સંદેશ આપતા તેમણે અંતમાં કહ્યું હતું કે, જો દ્રઢ શારીરિક ક્ષમતા અને અતૂટ આસ્થા હોય તો દુનિયાનું કોઈપણ અશક્ય લાગતું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત કરી શકાય છે.