Loading Please Wait !!!
અમે બરફના પંખીથી ચોથી પેઢીનું પદાર્પણ

17 જૂને અરવિંદભાઈ મણિયાર હોલમાં નાટ્યકૃતિનું મંચન

  • » પ્રેમશંકર યાજ્ઞિકથી શરૂ થયેલી રંગયાત્રાને ચોથી પેઢી આપશે નવી દિશા
  • » પાંચ દાયકા જૂની લોકપ્રિય કૃતિ ફરી મંચ પર, ભરત યાજ્ઞિકનું દિગ્દર્શન

સીટી ન્યૂઝ@રાજકોટ

શહેરના નાટ્યક્ષેત્ર માટે ૧૭ જૂનનો દિવસ વિશેષ મહત્વ ધરાવતો બનવાનો છે. કલા નિકેતન અને બીવાયટીટી (ભારત યાજ્ઞિક થિયેટર ટ્રસ્ટ) દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે જાણીતી અને પ્રશિષ્ટ નાટ્યકૃતિ અમે બરફના પંખીનું મંચન કરવામાં આવશે. આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ છે કે રાજકોટની રંગભૂમિ સાથે એક સદીથી વધુ સમયથી જોડાયેલા યાજ્ઞિક પરિવારની ચોથી પેઢી રંગમંચ પર સત્તાવાર પદાર્પણ કરશે.

નાટકમાં મુખ્ય ભૂમિકા વરદા રાજુ યાજ્ઞિક નિભાવશે, જે પ્રખ્યાત નાટ્યકાર અને દિગ્દર્શક ભરત યાજ્ઞિકની પૌત્રી છે. બાળપણથી જ નાટ્ય, એકપાત્રીય અભિનય અને નૃત્ય સાથે જોડાયેલી વરદાએ વિવિધ રાજ્યસ્તરીય સ્પર્ધાઓમાં પણ સિદ્ધિઓ મેળવી છે. અમે બરફના પંખી દ્વારા તે સ્વતંત્ર અભિનેત્રી તરીકે રંગભૂમિ પર પોતાની નવી ઓળખ સ્થાપિત કરશે.

રાજકોટમાં ૧૯૫૫માં સ્વ. પ્રેમશંકર યાજ્ઞિકે કલા નિકેતનની સ્થાપના કરીને ગુજરાતી રંગભૂમિને પ્રયોગશીલ અને પ્રશિષ્ટ નાટકોની સમૃદ્ધ પરંપરા આપી હતી. ત્યારબાદ ભરત યાજ્ઞિક, રેણુ યાજ્ઞિક, રાજુ યાજ્ઞિક અને પ્રેમલ યાજ્ઞિકે આ વારસાને આગળ વધાર્યો હતો. હવે ચોથી પેઢી તરીકે વરદા યાજ્ઞિક આ પરંપરાને નવી ઊંચાઈ આપશે.મરાઠી સાહિત્યકાર વસંત કાનેટકરની કૃતિના આધારે તૈયાર થયેલા આ નાટકનો ગુજરાતી અનુવાદ પ્રખ્યાત નાટ્યકાર કાંતિ મઢિયાએ કર્યો હતો. ચાર દાયકાથી વધુ સમય પહેલાં લોકપ્રિય બનેલી આ કૃતિને આધુનિક સમયને અનુરૂપ કેટલાક ફેરફારો સાથે ફરી મંચ પર લાવવામાં આવી રહી છે. નાટક એક યુવાન યુવતીના જીવનમાં અચાનક આવેલી અસાધ્ય બીમારી અને તેના પરિવારની લાગણીઓ, સંઘર્ષ અને આશાઓની હૃદયસ્પર્શી કથા રજૂ કરે છે.

નાટકનું નિર્માણ ડૉ. પ્રેમલ રાજુ યાજ્ઞિકે કર્યું છે, જ્યારે દિગ્દર્શન ભરત યાજ્ઞિકનું અને સંગીત ડૉ. ઉત્પલ જીવરાજાનીનું છે. નાટકમાં રાજુ યાજ્ઞિક, પલ્લવી વ્યાસ, રમીઝ સાલાણી, અદ્વૈત અંતાણી, નીપા અંતાણી, વરદા યાજ્ઞિક, અમિત વાઘેલા, અભય વસાણી અને જતીન ડોડીયા સહિતના કલાકારો અભિનય કરશે.

પ્રયોગશીલ નાટકો માટે જાણીતી કલા નિકેતન સંસ્થા લાંબા સમય બાદ સામાજિક વિષયવસ્તુ ધરાવતું નાટક લઈને આવી રહી છે, જેને લઈને નાટ્યરસિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.