ભોજલરામ ઉત્કર્ષ ભવનના સર્વ રોગ નિદાન કેમ્પમાં 700થી વધુ દર્દીઓએ લાભ લીધો
-
» વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ વિનામૂલ્યે તપાસ, સલાહ અને સારવાર પૂરી પાડી
-
» નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં અનેક નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં શહેર તથા આસપાસના વિસ્તારના ૭૦૦થી વધુ દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પનું ઉદ્ઘાટન નરેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન અને શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ (મેઈન યુવા)ની ટીમ દ્વારા નરેશભાઈ પટેલનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કેમ્પમાં સેવા આપનારા તમામ નિષ્ણાત તબીબોને ખોડલધામનો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના સમયમાં આરોગ્યની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે. કોઈપણ રોગ સામે બચાવ માટે પ્રિવેન્શન મહત્વનું હોવાથી ડોક્ટરોએ દર્દીઓને તે અંગે માર્ગદર્શન આપવું જોઈએ. તેમણે મા સોનલ સૌને નિરોગી રાખે તેવી પ્રાર્થના પણ કરી હતી.
કેમ્પમાં હૃદયરોગ, કેન્સર, કાન-નાક-ગળા, આંખ, સ્ત્રીરોગ, હાડકાં, ચામડી, દાંત, જનરલ ફિઝિશિયન, આયુર્વેદ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોએ માનદ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન ફુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન અને રાજકોટ કેન્સર સોસાયટીના સહયોગથી વેલસ્કોપ મશિન દ્વારા મોઢાના કેન્સરની તપાસ કરવામાં આવી હતી. કોલેસ્ટ્રોલ, યુરિન ટેસ્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હિમોગ્લોબીનની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.
સવારે ૮:૩૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન તથા શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ (મેઈન યુવા)ની ટીમે જહેમત ઉઠાવી હતી.