જલારામ સેવા સંસ્થાનું પુરુષોત્તમ માસ નિમિત્તે 220 કિલો કેરીના રસનું વિતરણ
સીટી ન્યૂઝ@રાજકોટ
પુરુષોત્તમ માસના પાવન અવસરે જલારામ સેવા સંસ્થા દ્વારા વિવિધ માનવસેવાના કાર્યો અંતર્ગત આજે દાતાઓના સહયોગથી ૨૨૦ કિલો કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તપતી ગરમીમાં શ્રમજીવી મજૂરો તથા તેમના પરિવારજનોને રાહત અને પોષણ મળે તે હેતુથી આ સેવા યોજવામાં આવી હતી.
આ સેવાકીય અભિયાનમાં અલકાબેન સુચક, ખુશી સુચક, તુષારભાઈ, મગનભાઈ, શ્યામભાઈ ધાબી, ગોપાલભાઈ, પ્રવિણાબેન ચોવટિયા અને રસીલાબેન રમાણી સહિતના દાતાઓ અને સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેને લાભાર્થીઓએ આવકાર્યો હતો.
જલારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા બે મહિનાથી સતત હોસ્પિટલોમાં દર્દીઓ તથા તેમના સ્વજનો માટે શરબત, છાસ, નાસ્તો અને ભોજન સેવા નિયમિતપણે ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સગાંવતરે ચંપલ વિતરણ, વસ્ત્ર વિતરણ, ભોજન સેવા તથા અન્ય લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સતત હાથ ધરવામાં આવે છે.
સંસ્થાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવસેવા એ જ પ્રભુસેવા છે તે ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને સંસ્થા સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમના અંતે તમામ દાતાઓ, સેવાભાવી બહેનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઇવનિંગ પોસ્ટ ખાતે સીનીયર સિટીઝનો માટે સપ્તાહભર સંગીત સંધ્યાનું આયોજન
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ ખાતે સીનીયર સિટીઝનોના મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તા. ૧૫ જૂનથી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન સપ્તાહભર વિવિધ સંગીતમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દરરોજ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. તા. ૧૫ જૂને ઇન્ડાર મ્યુઝિકલ ગ્રુપ, તા. ૧૬ જૂને જીતેન્દ્રકુમાર એન્ડ પાર્ટી, તા. ૧૭ જૂને મુકેશ ફેન ક્લબ, તા. ૧૮ જૂને ઓમકાર મ્યુઝિકલ ગ્રુપ, તા. ૧૯ જૂને શિવમ મ્યુઝિકલ ગ્રુપ, તા. ૨૦ જૂને મહેફિલ-મોજ-મસ્તી અને તા. ૨૧ જૂને માનવમંદિર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ માત્ર સરગમ ક્લબના ઇવનિંગ પોસ્ટના સભ્યોને જ તેમના માન્ય આઈકાર્ડના આધારે આપવામાં આવશે. આયોજકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સભ્યોએ ફરજિયાત આઈકાર્ડ સાથે લાવવું રહેશે, આઈકાર્ડ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ-ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરેશભાઈ સોલંકી, શાઈનાબેન સંધી, જીતેન્દ્રકુમાર પીઠડીયા, મનસુખભાઈ વાઘેલા, જગદીશભાઈ એચ. રાનપરા, સંદીપભાઈ માનાણી, અનુજકુમાર મિશ્રા તથા નાનજીભાઈ મિયાત્રા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સરગમ ક્લબ દ્વારા તમામ સભ્યોને સમયસર હાજર રહી કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.