Loading Please Wait !!!
ખેડૂત આંદોલનના કારણે ભાજપ મંત્રીના ઘરમાં બગાવત !

કાંતિ અમૃતિયાના નાના ભાઈ ઉપવાસ પર બીજા ભાઈ ભરત અમૃતિયાએ પણ સમર્થન આપ્યું

તમામ સરપંચો રાજીનામું આપવાની તૈયારીમાં: 100 ટ્રેક્ટર સાથે ખેડુતો જેતપર પહોંચ્યા

સિટી ન્યૂઝ@મોરબી

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. આમરણ ચોવીસી વિસ્તારના ૧૦૦ જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. ખેડૂતો ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે છેલ્લા ૧૨ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે ૧૨મા દિવસે આમરણ ચોવીસી વિસ્તારમાંથી ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા હતા. આ દરમિયાન જેતપર ગામના માર્ગો 'જય જવાન જય કિસાન'ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલા આ આમરણાંત ઉપવાસ આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ઉપવાસ પર છે. આજે તેમના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ છાવણી ખાતે આવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત, મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા પણ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા. અંદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હું ખેડૂત પુત્ર છું, ખેડૂતોના હિત માટે રાજીનામું આપું છું.' તમામ સરપંચોએ મુખ્યમંત્રીને સંયુક્ત રીતે રાજીનામું મોકલવાનો નિર્ણય લીધો છે.

ખેડુતો આગેવાનોએ કહ્યું અદાણીનું અથાણું, મરચું, ધારાજીરુંનો બહિષ્કાર કરો

સિટી ન્યૂઝ@મોરબી

મોરબી નજીક આવેલા જેતપર ગામે અદાણી કંપની દ્વારા ખેતરોમાં મંજૂરી વગર વીજ થાંભલા (પોલ) ઊભા કરવાના મુદ્દે ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો વળતર અને જમીનના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને મોરબીના સ્થાનિક એસોસિએશન અને કલાકારોનું પણ સમર્થન મળ્યું છે. આ દરમિયાન સૌથી હિલચસ્પ અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, આંદોલન દરમિયાન કેટલાક ખેડૂતો અદાણીના વિરોધમાં ભાનભૂલ્યા છે અને એક ખેડૂત નેતાઓએ તો મંચ પરથી અદાણીના વિરોધમાં તેના જેવા નામથી મળતા અદાણી મસાલા પણ ન ખરીદવાનું આહવાન કરી દીધું છે. હકીકતમાં ખેડૂતો જેનો વિરોધ કરી રહ્યા છે તે અદાણી કંપની અને જેનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે તે અદાણી મસાલાને કોઈ જ લેવાદેવા નથી. ઉલ્લેખનીય છે કે, જેતપર ગામમાં હાલમાં ખેડૂતોનું અદાણી કંપની સામેનું આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે. જમીન અને વીજળીના પોલ ઊભા કરવાના મુદ્દે ખેડૂતો નારાજ છે પરંતુ આ ગંભીર મુદ્દા વચ્ચે એક એવી વાત સામે આવી છે જે સાંભળીને કોઈ પણ હસી પડશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં ખેડૂત નેતા મંચ પરથી ગંભીરતાથી ભાષણ આપી રહ્યા છે અને આંદોલનને વધુ ધારદાર બનાવવા માટે એક અનોખું અને હાસ્યાસ્પદ આહવાન કરી રહ્યા છે. તેઓ કહે છે, "અદાણીની એક પણ વસ્તુ નહીં લેવાની... પછી ભલે તે મરચું હોય, ધાણાજીરું હોય, હળદર હોય કે અથાણું હોય!" હવે અહીં જે મોટી ગેરસમજ થઈ છે તે એ છે કે, જે અદાણી કંપનીની સામે ખેડૂતો લડી રહ્યા છે, તેમને અને માર્કેટમાં મળતા 'અદાણી મસાલા' ને દૂર-દૂર સુધી કોઈ સંબંધ કે લેવાદેવા નથી. કદાચ ખેડૂત નેતાએ બસ નામમાં રહેલી સમાનતાને પકડી લીધી અને જાણે અજાણે મસાલા ઉદ્યોગને પણ આ આંદોલનમાં ખેંચી લીધો! કલ્પના કરો કે, કોઈ ગૃહિણી રસોઈમાં મરચું નાખવા જાય અને તેને યાદ આવે કે, "અરે! આ આંદોલન ચાલુ છે, આ મસાલો તો ન વપરાય!"