Loading Please Wait !!!
મોરબીમાં વીજલાઈન મુદ્દે રણસંગ્રામ ખેડૂતોનું તંત્રને અલ્ટીમેટમ

  • 10 દિવસમાં નોટિસ રદ નહીં થાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવો
  • 765 કિ.વી. લાઈન માટે સંમતિ વિના જમીન પડાવવાનો વિરોધ
  • માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર કૂચ કરવાની આક્રમક ચીમકી

સિટી ન્યૂઝ@મોરબી : મોરબી જિલ્લામાં 765 કિ.વી. હાઈટેન્શન વીજલાઈન પ્રોજેક્ટમાં ટેલિગ્રાફ એક્ટ હેઠળ અપાયેલી નોટિસોથી ખેડૂતો અને તંત્ર વચ્ચે આરપારની લડાઈના એંધાણ છે. કિસાન સંઘર્ષ સમિતિના નેતા મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીઓ પતતા જ સરકારે વિશ્વાસઘાત કરી ખેડૂતોની જમીનો પર બળજબરીથી કબજો મેળવવાની પેરવી શરૂ કરી છે.

ખેડૂત સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખી સંમતિ વિના જમીન પર પગ ન મૂકવા દેવાની મક્કમતા દર્શાવી છે. તેમની મુખ્ય માંગ છે કે, કાળા કાયદા હેઠળ અપાયેલી નોટિસો તાત્કાલિક રદ કરાય અને જમીનના બદલામાં પૂરતું વળતર આપવામાં આવે. સાથે જ ખેડૂતોને ડરાવતા અધિકારીઓ સામે કડક તપાસની માંગ પણ ઉઠી છે.

ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, વિકાસના નામે ખેડૂતોનો કોળિયો છીનવાઈ રહ્યો છે. જો 10 દિવસમાં નોટિસો પાછી નહીં ખેંચાય, તો હજારો ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીને બાનમાં લેશે. માંગ નહીં સંતોષાય તો આંદોલન મોરબી પૂરતું સીમિત ન રાખતા ગાંધીનગર સુધી મહાકૂચ કરવામાં આવશે.

રાજ્યના વિકાસ માટે આ પ્રોજેક્ટ ભલે મહત્વનો હોય, પરંતુ ખેડૂતોનો વિસ્ફોટક અસંતોષ તંત્ર માટે પડકારરૂપ છે. જો સમયસર સંવાદ નહીં થાય તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. ખેડૂતો હવે 'આમરણ ઉપવાસ' જેવા અંતિમ પગલાં ભરવા પણ તૈયાર છે, જે શાસક પક્ષ માટે મોટી મુસીબત બની શકે છે.