જે અધિકારી કૌભાંડની તપાસ કરે છે તેઓ ત્યારે ઈન્ચાર્જ હતા સાંસ્કૃતિક વિભાગના !
આ છે મનપાની પારદર્શિતા ?
મહાપાલિકાના કમિશનર કોને બચાવી રહ્યા છે ?
2023થી 2025 સુધીમાં ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ભરત કાથરોટીયા આ સમયમાં સાંસ્કૃતિક વિભાગમાં ઈન્ચાર્જની ભૂમિકામાં હતા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ડિમોલિશન બિલ કૌભાંડને લઈને બનેલી તપાસ કમિટી હવે પોતે જ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કૌભાંડની તપાસ માટે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, તેમની ભૂમિકા જ હવે શંકાસ્પદ બની રહી છે. તપાસ કમિટીમાં સામેલ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને ભરત કાથરોટીયાએ ત્રણેય અધિકારીઓ ૨૦૨૩થી ૨૦૨૬ની શરૂઆત સુધી સાંસ્કૃતિક વિકાસ વિભાગમાં સહાયક કમિશનર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, જે વિભાગના બિલ અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ સોંપાઈ છે, એ જ વિભાગમાં આ અધિકારીઓ અગાઉ ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. જેઓ નિર્ણયમાં હતા, એ જ હવે તપાસમાં! ૨૦૨૩માં ફાઈનલ થયેલા ટેન્ડર અને તેના આધારે થયેલા બિલોની મંજૂરી તે સમયે લગત સહાયક કમિશનર, નાયબ કમિશનર અને કમિશનર સ્તરે થઈ હતી. હવે એ જ ચેઈનમાં રહેલા અધિકારીઓને તપાસ સોંપાતા મોટો સવાલ ઉભો થાય છે. શું તેઓ નિષ્પક્ષ તપાસ કરી શકશે? શું આ ઈન્કવાયરી માત્ર ઔપચારિકતા બની રહેશે? આ સમગ્ર મામલે હાલના ચાર્જમાં રહેલા અધિકારીઓની કોઈ સીધી ભૂમિકા નથી, કારણ કે ટેન્ડર અને બિલોની પ્રક્રિયા વર્ષ ૨૦૨૩માં જ પૂર્ણ થઈ ગઈ હતી. છતાં તપાસ જૂના જ અધિકારીઓને સોંપાતા પારદર્શિતાને લઈને પ્રશ્નો વધી રહ્યા છે. વિપક્ષ અને શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચા છે કે “જેઓના સમયમાં આ કૌભાંડ થયું, એ જ અધિકારીઓ હવે તેની તપાસ કરશે તો સત્ય બહાર આવશે કે દબાઈ જશે?”
આ સમયે મુદ્દે હવે સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરવાની માંગ જોર પકડી રહી છે. લોકોમાં માન્યતા છે કે, જો પારદર્શિતા જાળવવી હોય તો કમિટીની પુનઃરચના જરૂરી બની શકે. મોટા સવાલો એ છે કે શું આ માત્ર ફોર્માલિટી બની રહેશે? સાચા જવાબદાર સામે આવશે કે મામલો દબાઈ જશે? હવે નજર છે કે મહાપાલિકા કમિશનર આ વધતા સવાલો વચ્ચે શું નિર્ણય લે છે.
ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ઈન્ચાર્જ સહાયક કાથરોટીયા BAPSના હરિભક્ત : એટલે પ્રેમવતી રેસ્ટોરન્ટ પર પ્રેમ વરસાવ્યો
BAPS ની સંસ્થા પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી આ વખતે તો ૨૦ લાખનું બિલ બન્યું હતું અગાઉ કેટલી વાર મંગાવવામાં આવ્યું તે કોઈને ખ્યાલ નહીં હોય કારણ કે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ભરત કાથરોટીયા સ્વામિનારાયણના પ્રખર સત્સંગી છે અને તેઓ મંદિરના હરિભક્ત પણ છે તે ઉપરાંત બંને અધિકારીઓના DP માં સ્વામિનારાયણ ભગવાનના ફોટા પણ છે એટલે જ કદાચ પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી દર વખતે રોકડમાં જમવાનું મંગાવવામાં આવી રહ્યું છે. કોઈ પણ લોકો કોઈ પણ ધર્મ પાડી શકે અમને કોઈ વાંધો નથી પણ દર વખતે premvti જ કેમ અન્ય સંસ્થાઓ પણ શુદ્ધ અને સસ્તું jamanu મળી શકે?