Loading Please Wait !!!
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં જીત્યા બે મેડલ!

 

  • નીરજ ચોપરાએ ૮૫.૮૩ મીટરનો થ્રો ફેંકીને સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું.

  • યશવીર સિંહે ૮૫.૪૧ મીટરના થ્રો સાથે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન સાબિત કર્યું.

  • કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં નીરજ ચોપરાનો આ બીજો મેડલ છે.

સિટી ન્યુઝ @ ગ્લાસગો

ગ્લાસગો, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઐતિહાસિક પ્રદર્શન કરીને બે મેડલ પોતાના નામે કર્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ આ મુકાબલામાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે યુવા ખેલાડી યશવીર સિંહે શાનદાર વાપસી કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નીરજે ૮૫.૮૩ મીટરનો પોતાનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો, જ્યારે યશવીર ૮૫.૪૧ મીટરનો ભાલા ફેંકવામાં સફળ રહ્યો હતો. આ ઇવેન્ટમાં શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજાએ ૮૯.૭૫ મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને બાજી મારી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાનો આ બીજો મેડલ છે, અગાઉ તેણે ૨૦૧૮માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એક જ ઇવેન્ટમાં ભારતને બે મેડલ મળવાથી ખુશી વ્યક્ત કરતા નીરજે જણાવ્યું કે આ ક્ષણ તેને એશિયન ગેમ્સની યાદો તાજી કરાવે છે. તેમણે યશવીરના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે હવે ભારતમાં એવા યુવા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે જે જવાબદારી સંભાળી શકે છે અને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરી શકે છે. રોહિત યાદવ અને સચિન જેવા યુવા ખેલાડીઓનું પ્રદર્શન પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે.

સ્પર્ધા દરમિયાન નીરજ ચોપરાએ પોતાના પહેલા જ પ્રયાસમાં ૮૦.૯૭ મીટરનું અંતર કાપ્યું હતું અને ત્યારબાદ ૮૫.૮૩ મીટરનો સિઝનનો શ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. બીજી તરફ, યશવીર સિંહે તેના પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં કમાલ કરતા ૮૫.૪૧ મીટરનો અંતિમ થ્રો ફેંક્યો હતો, જે તેના માટે ગેમ ચેન્જર સાબિત થયો અને તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન બની ગયું. આ ફાઇનલમાં ભારતના અન્ય ખેલાડી રોહિત યાદવે પણ ઉત્તમ પ્રદર્શન કરતા ૮૧.૫૬ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સાતમું સ્થાન મેળવ્યું હતું.

ભારતીય એથ્લેટિક્સ માટે આ સિદ્ધિ અત્યંત ગર્વની વાત છે કારણ કે જુનિયર સ્તરેથી આવી રહેલા પ્રતિભાશાળી ખેલાડીઓ દેશમાં ભાલા ફેંકની રમતને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ખેલાડીઓનો દબદબો સતત વધી રહ્યો છે.

આગામી સમયમાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓ માટે આ તમામ ખેલાડીઓનોત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે, અને દેશના રમતગમત પ્રેમીઓ તેમના પાસેથી ભવિષ્યમાં વધુ સુવર્ણ સફળતાઓની આશા રાખી રહ્યા છે.