Loading Please Wait !!!
ગોંડલનાં સાજડિયાળી ગામે વીજ કરંટ લાગતા 35 ઘેટાંનાં મોત

 

વીજ તંત્રની ઘોર બેદરકારી: JETCO સબ-સ્ટેશનની બહાર કરંટ લાગવાથી ઘેટાંના કમકમાટીભર્યા મોત

સિટી ન્યૂઝ@ગોંડલ

ગોંડલના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં આવેલ JETCO સબ-સ્ટેશનની બહાર એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. સબ-સ્ટેશનની દિવાલ બહાર અર્થિંગ માટે રાખવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટમાં લાઈવ કરંટ ઉતરતા, માલધારી હરેશભાઈ આજારા ના ૩૫ થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ તડફડિયા મારીને મોત નિપજ્યા છે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, આ ખુલ્લી પ્લેટ અંગે અગાઉ બે વાર PGVCL કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ ચોવટીયા સુલતાનપુર પોલીસ, FSL ટીમ, પશુ ડોક્ટરો અને PGVCLના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આવી અર્થિંગ પટ્ટી PGVCL દ્વારા વાપરવામાં આવતી નથી, તેથી આ અર્થિંગ કોણે કર્યું તેની સઘન તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે., વહીવટી તંત્ર દ્વારા મૃત ઘેટાં દીઠ રૂ. ૩,૦૦૦ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.